વલસાડ:જિલ્લાના વાપી ખાતે GST ભવનમાં CGST અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં ફરજ બજાવતો CGST ઇન્સ્પેકટર 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં સપડાઈ ગયો હતો. જેને લઈને GST વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
CGST ઇન્સ્પેક્ટર સામે ફરિયાદ: આ અંગે ACBએ આપેલી વિગતો મુજબ એક જાગૃત નાગરિકે ACB માં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ એક ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવે છે. જે પેઢીનો વર્ષ 2020-21ના વર્ષનો CGST તથા SGST ટેક્સ ભર્યો હોવા છતા CGST અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર CGST અને SGSTના રૂપિયા ભરવા નોટીસ મળી હતી.
ઇન્સ્પેક્ટરે 40 હજારની માંગ કરી: આ અંગે ફરિયાદી CGST કચેરી ખાતે જઇને કચેરીમાં ફરજ બજાવતા CGST ઇન્સ્પેકટર યશવંત રાજેન્દ્ર ગેહલોતને મળ્યો હતો. જેમણે નોટીસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે 40 હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય તેથી તેમણે ACBનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી.
ACBના છટકામાં ઇન્સ્પેક્ટર ફસાયો:આ ફરિયાદ આધારે વલસાડ ACB પોલીસ સ્ટેશનના PI એસ. એન. ગોહિલે સુરત એકમના સુપરવિઝન અધિકારી અને મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સાથે ટ્રેપ ગોઠવી હતી. CGST અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી, GST ભવનના રૂમ નંબર.216માં ગોઠવેલા આ ટ્રેપ દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને ફરીયાદી પાસેથી 40 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી. જેને તાત્કાલિક ACBની ટીમે દબોચી લીધો હતો.
CGST ઇન્સ્પેક્ટર 25 વર્ષનો યુવક: ઉલ્લેખનીય છે કે, ACBની ટ્રેપમાં ઝડપાયેલા આરોપી યશવંત રાજેન્દ્ર ગેહલોત હજુ માંડ 25 વર્ષનો યુવક છે. જે CGST ઇન્સ્પેક્ટર, વર્ગ-2 (ગૃપ-B), વાપી-1, ડીવીઝન-9, રેન્જ-5 તથા 6 વિભાગમાં CGST અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી, GST ભવન વાપીમાં ફરજ બજાવતો હતો. તેમજ તે વાપીમાં રહેતો હતો અને ઇન્દોરનો રહેવાસી છે.
આ પણ વાંચો:
- પારડી દુષ્કર્મ હત્યા કેસના સિરિયલ કિલરે પોલીસને કહ્યું- 'સવારે જ એકનો રેપ કરી ગળુ દબાવી હત્યા કરી'
- DFCCIL ફ્રેટ રેલવે કોરિડોરને પ્રાથમિક સર્વેની મંજૂરી ના મળી, સરપંચો દ્વારા સર્વેનો વિરોધ