અમદાવાદ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિવિધ મુદ્દાઓને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તેમની દરકાર લેતી નથી તે માટે આજે અમારે આંદોલનનો માર્ગ અપનાવો પડ્યો છે. ABVP જણાવે છે કે, તેમના દ્વારા ગત વર્ષે પણ આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે PRC ફી રદ કરવામાં આવે, રીઅસેસમેન્ટમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને તેમની રીઅસેસમેન્ટની ફી પાછી આપવામાં આવે, ચોક્કસ એકેડમીક કેલેન્ડર જાહેર કરવામાં આવે સાથે NCC ક્રેડિટ કોર્સના પરિણામ નથી આવ્યા તે આપવામાં આવે. આ સાથે ABVP જણાવે છે કે, GTU એ કદાચ એક માત્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થા છે જેનું ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર આમ આખા ગુજરાતની ટેકનોલોજીકલ કોલેજો તેમની હેઠળ આવે છે. તો પણ GTUનું તંત્ર એટલું લાપરવા છે કે તેમને વિદ્યાર્થીઓની પડી જ નથી.
વાઇસ ચાન્સલર દ્વારા આશ્વસન અપાયું: ABVP દ્વારા જ્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ. રાજુલ ગજ્જરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. માધ્યમો સાથે વાત કરતા ડૉ. રાજુલ ગજ્જરે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે તે પ્રકારનું કોઈ વર્તન અમે કરવા માંગતા નથી અને વિદ્યાર્થીઓના હિતમાં જ કામ કરી રહ્યા છે. રીએસેસમેન્ટની ફી મોટાભાગે વિદ્યાર્થીઓને ચૂકવી દેવામાં આવી છે અને જે લોકોની બેંક ડીટેલસ મિસિંગ છે તેમની બેંક ડીટેલસ મેળવીને 15 દિવસની અંદર તેમને પણ ફી પરત કરી દેવામાં આવશે. સાથે તેમણે પણ એ પણ વાત કરી કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એક ખૂબ મોટું પ્લેટફોર્મ છે આવડા મોટા પ્લેટફોર્મ પર કામ કરતા ક્યાંક મોડું થતું હોય છે. NCC ક્રેડિટના માર્કસ પણ અમે મેળવીને એક અઠવાડિયાની અંદર આપી દઈશું.
ABVP ના યુવાનો ભાન ભૂલ્યા: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અવારનવાર વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન અને રજૂઆતો કરતું હોય છે ત્યારે આજે જ્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે ગેટ પર તેમને અંદર જવા ન હોવાથી વિધ્યાર્થીઓ દ્વારા ધક્કા મૂકી કરી પરાણે ગેટને ખોલીને તેઓ અંદર ગયા હતા. ત્યારબાદ તેમણે વાઇસ ચાન્સલર રાજુલ ગજ્જરનું ટેબલ ઠોકી-ઠોકીને ઉપરાંત તેમની સામે આંગળી ચીંધી ઊંચા અવાજે ધમકી ભરા સ્વરમાં રજૂઆત કરી હતી.