બનાસકાંઠા: માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડે છે. આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો.
અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરાઈ: નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવ્યું. જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે. માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.
આજે ઘટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે માં શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભામંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે.