રાજકોટ:સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ જાણે કે, હવે ક્રાઈમનું પાટનગર બની રહ્યું હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટના શાપર વેરાવળમાં માત્ર 3 હજાર રૂપિયાની ઉઘરાણીમાં એક 20 વર્ષના યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક યુવાનના કાકાના 3 હજાર રૂપિયા પાનની દુકાનમાં બાકી બોલતા હતાં આ મામલે પાનની દુકાનના સંચાલક સાથે બબાલ થઈ હતી. એવામાં પાનની દુકાન ચલાવતા ઈસમો સહિતના લોકોએ 20 વર્ષના યુવકની છરીના ઘા મારીને હત્યા નિપજાવી દીધી, સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Rajkot crime: કાકાની બબાલમાં વચ્ચે પડેલા ભત્રીજાની હત્યા, પાનની દુકાને 3 હજાર ઉધાર ચુકવવાની બાબતે થઈ હતી માથાકૂટ - રાજકોટ પોલીસ
રાજકોટના શાપર વેરાવળમાં માત્ર 3 હજાર રૂપિયાની ઉઘરાણી બાબતે 20 વર્ષના એક યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હત્યા બાદ પાનની દુકાનનો સંચાલક અને તેના અન્ય સાગરીતો ફરાર થઈ ગયાં છે જેને ઝડપવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
Published : Jan 30, 2024, 12:42 PM IST
|Updated : Jan 30, 2024, 12:57 PM IST
બાકી પૈસાની બાબતમાં બબાલ: મૃતક યુવક જયદીપ રાજેશભાઈ મકવાણાના કાકા પ્રજ્ઞેશભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'જ્યારે હું પાનના ગલ્લે મારા બાકી રહેતા પૈસા ચુકવવા માટે ગયો હતો. ત્યારે પાનના ગલ્લાવાળા શખ્સ સહિતના લોકોએ મારા ઉપર હુમલો કર્યો, એવામાં અહીંથી પસાર થતા મારા ભત્રીજા જયદીપે આ ઘટના જોઈ હતી અને તે આ બબાલમાં વચ્ચે પડ્યો હતો. ત્યારે આ પાનના ગલ્લાવાળા શખ્સો સહિતના લોકોએ મારા ભત્રીજા ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું છે.
આરોપીઓ ફરાર: આ સમગ્ર મામલે યસ સોનાગરા ચિરાગ સોનાગરા સહિતના ત્રણ લોકો વિરુદ્ધ શાપર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાનના ગલ્લા પર રૂપિયા 3,000નું નામુ બાકી હોય ત્યારે આ નામું ચૂકવવા બાબતે મૃતકના કાકા સાથે માથાકૂટ સર્જાઈ હતી. એવામાં મૃતક જયદીપ આ માથાકૂટમાં વચ્ચે પડતા તેની છરીના ઘા મારીને હત્યા નિપજવામાં આવી છે. જેને લઈને નાના એવા શાપર ગામમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ પોલીસે હત્યાના આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.