બનાસકાંઠા:પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલા વરઘોડાની હકીકત જાણવા માટે ઈટીવી ભારતની ટીમ ગાદલવાડા ગામે પહોંચી હતી, અને વરરાજા તેમજ ગામ લોકો પાસેથી આ ઘટના અંગે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ સુરક્ષા વચ્ચે વરઘોડો: ગત 6 ફેબ્રુઆરીના રોજ ગાદલવાડા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે મુકેશભાઈ પરેચા નામના યુવકનો લગ્નનો વરઘોડો નીકળ્યો હતો,પોતાના લગ્નમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુકેશભાઈએ અગાઉથી જ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. મુકેશભાઈને ડર હતો કે નજીકના ગામોમાં દલિત સમાજના લગ્નના વરઘોડામાં થયેલા નાના મોટા બનાવો પોતાના વરઘોડામાં ન બને તે માટે અગાઉથી જ તેમણે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. તેમ છતાં વરઘોડા દરમિયાન કોઈએ પથ્થર માર્યો હોવાનો મુકેશભાઈએ આરોપ લગાવ્યો છે. મુકેશભાઈએ કહ્યું કે, લગ્નના મુહૂર્તના દિવસે પણ તેમને ધમકી મળી હતી,તેથી પોલીસ સુરક્ષા વચ્ચે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, ત્યારે વરઘોડો નીકળ્યા બાદ ગાડી પર પથ્થર મારવામાં આવ્યો હતો.
સરપંચના સસરાએ કહ્યું કોઈ કાંકરીચાળો થયો નથી: ગામમાં બનેલી આ ઘટના અંગે ગામલોકોને મળીને આ અંગેની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો છતાં, કોઈ આગળ આવ્યું નહીં અને છેલ્લે અમે ગામના સરપંચ પાસે પહોચ્યા હતાં, જ્યાં ગામના વડીલ અને સરપંચના સસરાએ સમગ્ર ઘટના અંગે પોતાના વિચારો જણાવ્યાં હતા, તેમને કહ્યું કે, ગામમાં તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે અને લગ્નના વરઘોડામાં કોઈ જ કાંકરીચાળો ન થયાનું કહી પોલીસ તપાસમાં સહયોગ આપવાનું જણાવ્યું હતું.