રાજકોટઃરાજકોટના ચકચારી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાના રૂ.30 કરોડના ભ્રષ્ટાચાર કેસમાં સરકાર દ્વારા જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાની સ્પે.પી.પી. તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એસીબી દ્વારા કરવામાં આવેલી તપાસમાં મનપાના સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા પાસેથી અપ્રમાણસર મિલ્કત મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનામાં તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે હાલ તેઓ દ્વારા વકીલ મારફત જામીન અંગે રાજકોટ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે અંગે આગામી 29 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
30 કરોડની અપ્રમાણસરની મિલકતો મળીઃ બનાવની મળતી વિગતો મુજબ રાજકોટના ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં તપાસ દરમિયાન મુખ્ય આરોપી સાથે જોડાયેલા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ આફિસર એમ.ડી. સાગઠિયાની મિલકતની ઝડતી તપાસ દરમિયાન 30 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આથી અગ્નિકાંડના કેસની તપાસ દરમિયાન પણ સાગઠિયાના કુટુંબીજનો નામે મોટા પ્રમાણમાં મિલકતો મળી આવી હતી. સાગઠિયા વિરુદ્ધના આ કેસમાં યેનકેન પ્રકારેે ભ્રષ્ટાચાર આચરી ભેગી કરેલી મિલકતોની કિંમત કરોડોમાં જતી હોવાથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્ય સરકારે જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરાને આ કેસ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર નિમ્યા છે.