ગાંધીનગર: રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે માટે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારી સાથે ગાંધીનગર ખાતે ‘‘પ્રિ મોન્સુન પ્રિપેર્ડનેસ’’ બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.
ઉચ્ચ સનદી અધિકારીઓ આ બેઠકમાં: સમીક્ષા બેઠકમાં રાજ્યના સબંધિત વિભાગો જેવા કે, ગૃહ, સિંચાઈ, પાણી-નાગરિક પુરવઠા, આરોગ્ય, GSDMA,સરદાર સરોવર, માર્ગ અને મકાન, બંદરો અને વાહન વ્યવહાર, વન, કૃષિ અને પશુપાલન તેમજ કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCના સંકલનમાં વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું કે, આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં આપદા મિત્રોને તાલીમ આપી સજ્જ કરાશે. ભૂતકાળમાં જે વિસ્તારમાં વધુ વરસાદ થયો હોય તેવા વિસ્તારોની પણ અત્યારથી સમીક્ષા કરીને આગામી ચોમાસા માટે જરૂરી તૈયારીઓ કરી લેવી જોઈએ. જેથી અગમચેતીના ભાગરૂપે નુકસાન અટકાવી શકાય. શહેરી વિસ્તારોમાં જૂના-જોખમી મકાનોની સ્થળ તપાસ કરાવી અત્યારથી જ તેને ખાલી કરાવવા જોઈએ, જેથી જાનહાની ટાળી શકાય. ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોકડ્રીલ યોજવા તેમજ ચોમાસા દરમિયાન સરદાર સરોવર, ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા તેમણે વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ, માહિતી, ઇસરો, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, BSF,કોસ્ટ ગાર્ડ, NDRF,દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ભારતીય રેલવે તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.