ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના લોધિકામાં વિદ્યાર્થીના આપઘાતનો મામલો, 3 શિક્ષકો સામે ફરિયાદ - THE STUDENT COMMITTED SUICIDE

રાજકોટના લોધિકાના મોટાવડા ગામે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીએ 3 શિક્ષકના ત્રાસથી સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.ત્રણ શિક્ષકો સામે ફરિયાદ નોંધાઈ

રાજકોટના લોધિકામાં વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો મામલો
રાજકોટના લોધિકામાં વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો મામલો (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2024, 9:13 PM IST

રાજકોટ:લોધીકાના મોટાવડાની સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ 19 ઓક્ટોબરના રોજ ધો-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ફક્ત એટલું જ નહિ વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં રડતાં રડતાં પોતે લખેલી સુસાઈડ નોટ પણ આ વીડિયોમાં દેખાડી રહ્યો હતો. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પોતાની શાળાના શિક્ષકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

શિક્ષણ અધિકારીની ટીમ તપાસ માટે પહોંચી:જો કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ શાખા ખાતે તપાસ માટે પહોંચી હતી અને સરપંચ સહિતના ગ્રામજનો પણ ત્યાં પહોંચ્યા હતા. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા શિક્ષકોને સસ્પેન્ડ કરવાની સાથે 10 વર્ષની સજાની માગ કરવામાં આવી છે. જ્યારે તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રથામિક દૃષ્ટિએ થયેલી તપાસમાં કોઇ કારણ સામે આવ્યું નથી.

રાજકોટના લોધિકામાં વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો મામલો (ETV BHARAT GUJARAT)

આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવિલ વરૂના કાકા રમેશભાઈ વરૂએ જણાવ્યું હતું કે, મારા ભત્રીજો સ્કૂલેથી ઘરે આવવા માટે બસમાં બેઠો ત્યારે તેને તેના મિત્રોને વાત કરી હતી કે, મને મજા નથી આવતી. મારો ભત્રીજો સ્કૂલનો મોનિટર હતો અને ભણવામાં ખૂબ હોશિયાર હતો. ધોરણ 10માં 70 ટકાથી વધુ માર્ક્સ આવ્યા હતા અને પરીક્ષામાં ચોરી કરતો હોય તો વિદ્યાર્થીને મૌખિક જ્યારે પૂછવામાં આવ્યું તો ત્યારે બધુ આવડી ગયું હતું.

વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો: મૃતકના કાકાએ આગળ કહ્યું કે, ધ્રુવિલ 12:30 વાગ્યે મોટાવડા સ્કૂલેથી છાપરા ગામે ઘરે આવ્યો અને ઘરે કોઈ હતું નહીં. જેથી તેણે સુસાઇડ નોટ લખી અને પછી વિડીયો ઉતાર્યો અને પછી તુરંત જ આપઘાત કરી લીધો હતો. પિતાનો એકના એક સંતાને આપઘાત કરી લીધો જેથી અમને ન્યાય મળવો જોઇએ. અન્ય કોઇ વિદ્યાર્થી સાથે આ પ્રકારની ઘટના ન બને તેવી અમારી માગ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઈકાલે 11:30 વાગ્યે શાળાએથી છૂટી ગયા બાદ વિદ્યાર્થીને ફરી શાળામાં બોલાવવામાં આવ્યો અને શિક્ષકો દ્વારા ધમકાવવામાં આવ્યો કે તને સજા પડશે અને પોલીસવાળા ઉપાડી જશે. જેથી ધ્રુવિલ ગભરાઈ ગયો. 2 શિક્ષિકા અને 1 શિક્ષક દ્વારા ધમકી આપવામાં આવી હતી. પુત્રના આપઘાતથી ગઈકાલથી પૂરો પરિવાર સૂતો નથી. ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવા જોઇએ અને 10 વર્ષની સજા થવી જોઇએ. ફરી નોકરી ન મળવી જોઇએ તેવી અમારી માંગણી છે. હું ખેતીકામ કરું છું અને ધ્રુવિલના માતા-પિતા અભણ છે અને ઢોર ચરાવવાનું કામ કરે છે.

સરપંચ સહિતના તમામના નિવેદન લેવામાં આવ્યા: જ્યારે તપાસ અધિકારી અલ્પાબેન જોટાંગિયાએ જણાવ્યું હતું કે, હાલ સરપંચ સહિતના તમામના નિવેદન લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ થયેલી તપાસમાં વિદ્યાર્થીના આપઘાતનું કોઇ કારણ સામે આવ્યું નથી. અહીં ચાર શિક્ષકો અભ્યાસ કરાવતા હતા અને 172 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તો કે હાલ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતનાનું નિવેદન લેવામાં આવ્યા છે. આ દરમિયાન લોધીકા પોલીસ મથકનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો અને નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમના દ્વારા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની સાથે ગ્રામજનોના પણ નિવેદન લેવામાં આવ્યા હતા.

આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે: રાજકોટના લોધિકાના મોટાવડા ગામે ધો. 11 કોમર્સના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂએ 3 શિક્ષકના ત્રાસથી સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જે ઘટનામાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે કહ્યું કે, હાલ આચાર્ય સહિત 3 શિક્ષક હાલ ફરજ બજાવતા નથી. પોલીસ તપાસમાં શિક્ષકો દોષિત સાબિત થશે તો તેમને સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. દીક્ષિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ કરાવવામાં આવી છે. પરંતુ અપમૃત્યુનો કેસ છે. પોલીસ કેસ થયેલો છે અને ફોજદારી ગુનો નોંધાયેલો છે. ફોજદારી રાહે પોલીસ તપાસ થઈ રહી છે. ત્યારે શિક્ષણ તંત્ર પોલીસની સાથે છે. પોલીસ ખાતાને આધીન શિક્ષણ તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે. મોટા વડા સ્કૂલમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીના મિત્રના નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રામજનો અને સરપંચના નિવેદન લેવામાં આવ્યા છે.

શાળામાં 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે: વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફોજદારી તપાસના આધારે શિક્ષણતંત્ર આગળની કાર્યવાહી હાથ ધરશે. ફોજદારી તપાસમાં શિક્ષકો ગુનેગાર ઠરશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. IPCની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે તેમાં શિક્ષકો દોષિત ઠરશે તો તેના આધારે શિક્ષણતંત્રની કાર્યવાહી રહેશે. વધુમાં જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 3 શિક્ષકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આચાર્ય સચિન વ્યાસ, મોસમી શાહ અને વિભૂતિ જોષી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે હાલ આચાર્ય સહિત 3 શિક્ષક હાલ ફરજ બજાવી રહ્યા નથી. જેના કારણે એક શિક્ષક મૂકવામાં આવ્યા છે. જેથી બે શિક્ષક ભણાવી રહ્યા છે. આવતીકાલે વધુ એક શિક્ષક ફરજ માટે મૂકવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે:આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાએ જણાવ્યું છે કે, તા. 20 ઓક્ટોબર 2024 ના રોજ છાપરા જૂનું ગામના ફરિયાદી દ્વારા મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો સગીર વયનો દીકરો તારીખ 19 ઓક્ટોબર 2024 ના રોજ જે મોટા વડા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. તે શાળાના આચાર્ય સચીનભાઈ, મોસમીબેન શાહ અને વિભૂતિબેન જોશી દ્વારા પોલીસમાં પકડાવાની બીક બતાવી મરવા મજબૂર કરેલ હોય, જે બાબતે મેટોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. જેમાં હાલ આ મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે તેમની તપાસ મેટોડા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ મામલાની અંદર મૃતક વિદ્યાર્થીના પિતા ભરતભાઈ ડુંગરભાઇ વરૂની ફરિયાદ પર પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં આ મામલે પોલીસે બી.એન.એસ. ની કલમ 108 અને 54 મુજબ સચીનભાઈ વ્યાસ, મોસમીબેન શાહ, વિભુતીબેન જોષી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે જેમાં આ મામલાની તપાસ મેટોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એચ. શર્મા ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. થાનમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં વધુ 4 નરાધમ ઝડપાયા, કુલ 8 આરોપીઓ હતા સામેલ
  2. રાજ્ય મંત્રીના કાર્યક્રમમાં રજૂઆત કરતા આગેવાન સામે ફરિયાદ, આપ નેતાએ પોલીસ અને તંત્ર પર બગડ્યા

ABOUT THE AUTHOR

...view details