સુરત: જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં આવેલી ઓરીલન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. પોલિએસ્ટર ધાગાનું ઉત્પાદન કરતી આ કંપનીમાં અચાનક લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ સુમિલોન અને માંડવી પાલિકાની ફાયર, કામરેજ ફાયર અને સુરત શહેર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે લગભગ 10 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. આગને કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.