ડાંગ: જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની લવચાલી રેન્જના રીઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેન્ટ નં.118 માં શિકારીના ગાળીયામાં ફસાયેલ વન્યપ્રાણી દિપડો નજરે ચડતા સ્થાનીક ગ્રામજનો દ્વારા લવચાલી રેંજના વન અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ લવચાલી રેંજના ચુનંદા વનકર્મીઓ અને તે વિસ્તારમાં ફેરણામાં ફરજ બજાવતા રોજમદારો તુરંત જ ઘટના સ્થળે પહોચી ગયા હતા. આ વન્યપ્રાણી દીપડો હોવાની જાણ, લવચાલીના પરિક્ષેત્ર વન અધિકારીને કરી હતી. જેમના દ્વારા ઉત્તર ડાંગ વન વિભાગના વડા એવા નાયબ વન સંરક્ષક શ્રી ડી.એન.રબારીને આ અંગેની જાણ કરાતા, શ્રી રબારીએ તેમના બે મદદનીશ વન સંરક્ષક્શ્રીઓને ઘટના સ્થળે દોડાવી, વન્યપ્રાણી દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરીનું સંચાલન અને નિરીક્ષણ કરવા માટે જરૂરી સુચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.
શિકારીના ગાળીયામાં ફસાયેલા દીપડાનું જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન - Leopard Rescue Operation - LEOPARD RESCUE OPERATION
વન અને વન્યજીવોના જતન સંવર્ધન માટે પ્રતિબદ્ધ ડાંગ વન વિભાગના લવચાલી રેન્જના વનકર્મીઓએ, પોતાના જીવના જોખમે શિકારીના ગાળીયામાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઘાયલ થયેલા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી મનોજ ગાયકવાડને આહવા સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા.
Published : Apr 9, 2024, 1:59 PM IST
દીપડો ઇજાગ્રસ્ત થયો હતો: વન્યપ્રાણી દીપડાના આગળના પંજામાં શિકાર માટેનો ગાળીયો ફસાયેલો હતો. જેનાથી દીપડો વધુ ઇજાગ્રસ્ત થયો હતો. જેને શકય એટલી જલ્દી આરામ કરવાની જરૂરીયાત જણાતાં ફ્ન્કીલાઇજર ગન, રેસ્ક્યુ નેટ, ખાટલો, પાંજરુ વગેરેની વ્યવસ્થા મદદનીશ વન સંરક્ષક શ્રી અમિત આનંદે કરી હતી. દરમિયાન સ્થાનીક ગ્રામજનો તથા દિપડા વચ્ચે કોઇ અણબનાવ કે ઘર્ષણ ન થાય તે બાબતે પણ વિષેશ તકેદારી દાખવવામાં આવી હતી. સાથે સાથે સમગ્ર દિવસ દરમ્યાન લવચાલી, સુબિર, અને આહવા (પ) રેંજના સ્ટાફ દ્વારા વન્યપ્રાણી દિપડાનું મોનીટરીંગ કરાયું હતું. ભૌગોલિક પરિસ્થિતિના કારણે આ દીપડાનું ફન્કીલાઇઝ કરવું ખૂબ મુશ્કેલ હતું. તેવા સંજોગોમાં વેટરનરી ડોકટરે ફ્ન્કીલાઇજર દ્વારા દિપડાને બેભાન કરવાની તજવીજ શરૂ કરી હતી. પરંતુ દીપડો કોતરમાં ફસાયેલો હોવાથી અને ઝાડી ઝાખરાવાળા વિસ્તારને કારણે ફન્કીલાઇઝર ગનનો ઉપયોગ પણ થઇ શકે તેમ ન હતો. આવા સમયે વન વિભાગના બીટગાર્ડ તથા વનકર્મીઓએ રેસ્કયુ નેટથી દીપડાની સામે જઈ ખૂબ જ જાંબાજી સાથે જોખમભર્યુ કામ કરવાનો નિર્ણય લીધો હતો.
દીપડાના હુમલાથી એક રાઉન્ડ ફોરેસ્ટર મનોજ ગાયકવાડ ઇજાગ્રસ્ત: આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દીપડાના હુમલાથી એક રાઉન્ડ ફોરેસ્ટર શ્રી મનોજ ગાયકવાડ ઇજાગ્રસ્ત પણ થયાં હતાં. તેમ છતા પણ કોતરમાં ઉતરી સંતાયેલા આ દીપડાને ગણતરીની મિનિટોમાં જ રેસ્કયુ નેટમાં પકડી લેવામાં આવ્યો હતો. તેજ સમયે વેટરનર ડોકટર અને તેમની ટીમે દીપડાને ઇન્જેકશન મારી બેભાન કર્યો હતો. આ દીપડાને ખાટલા પર બાંધી જંગલમાંથી ખભે ઉચકી, ક્ષેત્રિય સ્ટાફે પાંજરા સુધી લઇ જઈને મહામહેનતે પાંજરામાં પુર્યો હતો. ઘાયલ દીપડાને વધુ સારવાર અર્થે 'વાંસદા નેશનલ પાર્ક' ખાતે રેસ્ક્યુ સેન્ટરમાં લઇ જવાયો હતો. જ્યારે આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન, દીપડાના હુમલાથી ઘાયલ થયેલા રાઉન્ડ ફોરેસ્ટર શ્રી મનોજ ગાયકવાડને વધુ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.