કચ્છ:ભુજ શહેરના દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ મોચીરાઈ રોડ પર ખુલી જગ્યામાં આવેલા કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ભુજ ફાયર વિભાગ દ્વારા ક્વિક રિસ્પોન્સ વ્હિકલ સાથે મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ભુજની ભાગોળે કચરો વીણવા ગયેલી યુવતી ફોન પર વાત કરતી હતી અને અજાણતા કૂવામાં ખાબકી હોવાનું સામે આવ્યું હતું.
ફોન પર વાત કરતા કરતા યુવતી કૂવામાં પડી: ભુજ શહેરની ભાગોળે દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ અવાવરુ કૂવો આવેલો છે. જેમાં પરિવારની સામે જ ભુજની 22 વર્ષની યુવતી ડૂબીને મરી જતાં કરુણાંતિકા સર્જાઇ હતી. ભુજના સ્લમ વિસ્તારમાં રહેતા પરિવાર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો વીણવા જતો હોય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.
દિકરી કૂવામાં પડતા પરિવારમાં શોકનો માહોલ:શહેરના ત્રિમંદિરની સામેના નરનારાયણ નગરથી સુખપર તરફ જતા માર્ગે દંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં મંદિરની પાછળના ભાગમાં કચરાનો ડમ્પીંગ યાર્ડ આવેલો છે. ત્યાં મૃતક યુવતી પોતાના પરિવાર સાથે કચરો વીણવા ગઈ હતી. તે સમયે આ યુવતી ફોન પર વાત કરી રહી હતી. જે દરમિયાન તે ફોન પર વાત કરતા કરતા અવાવરુ કૂવામાં પડી ગઇ હતી. જેથી તેના પરિવારજનોએ બચાવ માટે બૂમાબૂમ કરી હતી. પણ ત્યાં સુધીમાં યુવતીનું ડૂબી જવાથી મોત થયું હતું. પોતાની યુવા દિકરીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.