91 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ (Etv Bharat gujarat) છોટાઉદેપુર: જિલ્લાની એકલવ્ય મોડેલ સ્કૂલના 91 જેટલાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી જેથી તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સાંસદ જશુ રાઠવા અને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ફૂડ પોઇઝનિંગ બાબતે બાળકોના સેંપલ લેવાયા: છોટા ઉદેપુર પાસે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળાના 91 જેટલાં બાળકોની તબિયત લથડતાં છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ, તેજગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને જેત્તપુર પાવી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓના સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓની તબયત ખરાબ થયાની ખબર મળતા સાંસદ જશુ રાઠવા વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા, અર્જુન રાઠવા સહિતના નેતાઓ પણ વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
સરકારની મિલીભગતથી કોન્ટ્રાક્ટ અપાય છે:સુખરામ રાઠવા એ જશુ રાઠવાને ગળે મળ્યા હતાં. કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ સરકાર ઉપર પ્રહાર કરતાં જણાવ્યું કે, આદિવાસી બાળકોને ગુણવત્તા યુક્ત ભોજન મળતું નથી. સરકારની મિલીભગતથી કોન્ટ્રાક્ટ અપાય છે. મળતી વિગત મુજબ ગુરુવારે વિદ્યાર્થીઓને સેવ ટામેટાનું શાક અને રોટલી આપવામાં આવી હતી. હાલ ટામેટાના ભાવ આસમાને છે અને આ ટામેટા ખામીયુક્ત હોવાના લઈને બાળકોને તકલીફ થઈ છે તેવું મારું અનુમાન છે.
તબીબોના મતે વાયરલ ઇન્ફેક્શન: જયારે સાંસદ જશુ રાઠવાએ તબીબોના મતે વાયરલ ઈન્ફેક્શન હોવાનું જણાવ્યું હતું, ફૂડ પોઈઝનિંગ બાબતે સેમ્પલ મોકલાયા છે. જે રિપોર્ટ આવતા જાણ થશે તેમ જણાવ્યું હતું. છોટા ઉદેપુર, તેજગઢ, અને જેતપુર પાવી હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર છે, પરંતુ જિલ્લાની તમામ એકલવ્ય મોડેલ સ્કૂલમાં ભોજનની ફરિયાદો અગાઉના વર્ષોમાં પણ ઉઠવા પામી હતી. ત્યારે સરકાર બાળકોને અપાતા ભોજનમાં સુધારો કરવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે.