પોરબંદર: 15 નવેમ્બરના રોજ પોરબંદરના સમુદ્રમાંથી 700 કિલો ડ્રગ્સનો જથ્થો અને 8 ઈરાની શખ્સોને ઝડપી લીધા હતા. પોરબંદરનો દરિયો અતિ સંવેદનશીલ હોય અનેક વાર દરિયા મારફતે ડ્રગ્સની અવરજવર થતી હોય છે. માફિયાઓ બેફામ બન્યા હોય ત્યારે સુરક્ષા વધુ કડક બને તે માટે પણ તમામ સુરક્ષા એજન્સીઓની કવાયત હાથમાં આવી રહી છે. આજે પોરબંદરના વકીલ શૈલેષ પરમારે માહિતી આપી હતી કે, આ બાબતમાં ઝડપાયેલા તમામ આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કોઈ બાતમી આપી નથી, આથી કોર્ટ દ્વારા આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બાતમીના આધારે દરિયામાંથી જહાજ પકડાયું
NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, IPS જ્ઞાનેશ્વર સિંહે આપેલી માહિતી મુજબ, બાતમીના આધારે માહિતી મળી હતી કે AIS વિનાનું બિન-રજિસ્ટર્ડ જહાજ ભારતીય જળ સીમામાં નાર્કોટિક ડ્રગ્સ અથવા માદક પદાર્થો સાથે પ્રવેશ કરી રહ્યું છે. જે બાદ ઓપરેશન 'સાગર મંથન-4' કોડનેમ હેઠળ મિશન લોન્ચ કરાયું હતું. 15 નવેમ્બરના રોજ ઉપરોક્ત બાતમીના આધારે ભારતીય નૌકાદળ દ્વારા દરિયાઇ પેટ્રોલિંગ દરમિયાન એક જહાજને અટકાવવામાં આવ્યું હતું.