અમદાવાદ:વસ્ત્રાપુર વિસ્તારમાં આવલા મોહિની ટાવર્સમાં ઉત્તરાયણના પર્વે એટલે કે, 14મી જાન્યુઆરીની સાંજે 75 વર્ષીય એક NRI વૃદ્ધનું મૃત્યું થયા હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બીજી તરફ પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘરમાંથી કેટલીક ચીજ વસ્તુઓની ચોરી પણ થઈ છે. જોકે, આ મામલે પોલીસને પ્રથમ શંકા એ ઊભી થતી હતી કે લૂંટ સાથે મર્ડર થયાની આ ઘટના બની છે, અને આખરે આજે આ શંકા હકીકતમાં ફેરવાઈ છે. પોલીસે NRI વૃદ્ધની હત્યાના આરોપમાં આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસને શરૂઆતથી લાગી હતી હત્યાની આશંકા
સમગ્ર ઘટનાની વિસ્તારથી વાત કરવામાં આવે તો તારીખ 12 જાન્યુઆરીના રોજ સવારે 11 થી લઈને સાંજે 4:00 વાગ્યાના સમયગાળા વચ્ચે એક વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મોહિની ટાવર્સમાં 75 વર્ષીય કનૈયાલાલ ભાવસાર નામના એક NRIનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી હતી, પરંતુ જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી એ કહી શકાતું ન્હોતું કે આ કોઈ મર્ડર છે, કે પછી કોઈ અન્ય રીતે વ્યક્તિનું મૃત્યુ થયું છે.
કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપ્યા
પોલીસને નિવેદન આપતા મૃતક કનૈયાલાલ ભાવસારના પત્ની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘરમાંથી કેટલીક વસ્તુઓની ચોરી પણ થઈ છે, ત્યારે પ્રથમ શંકા તો એ જ ઊભી થતી હતી કે આ કોઈ દ્વારા કરવામાં આવેલ લૂંટ સાથે હત્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસને જે શંકા હતી તે સાચી ઠરી અને ખબર પડી કે કનૈયાલાલ ભાવસારનું ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી છે. પછી હ્યુમન ઇન્ટેલિજન્સ, અઢળક સીસીટીવી અને આસપાસના લોકોની પૂછપરછ બધું સાથે મળીને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરીના જ કલાકોમાં મર્ડર કરનાર આરોપી સુધી પહોંચી ગઈ.