સુરતમાં પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી સુરત :50 વર્ષીય પ્રેમિકાને તેના જ પ્રેમીએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટના સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બની હતી. જેમાં એક શખ્સે રાતના સમયે સુતેલી પ્રેમિકા પર પેટ્રોલ નાખી તેને જીવતી સળગાવી દીધી હતી. મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કતારગામ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચકચારી બનાવ : સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતી 50 વર્ષીય મહિલાને તેના જ પ્રેમીએ જીવતી સળગાવી દીધી હતી. મૃતક મહિલા પરિવાર સાથે ફૂટપાથ પર રહેતી હતી અને તેનો પતિ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. પતિ અસ્થિર મગજનો હોવાથી મહિલા અન્ય શખ્સ સાથે પાંચ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. ગતરાત્રીના 1.45 વાગે મહિલા ઊંઘમાં હતી ત્યારે આરોપીએ તેના પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી.
પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી : મહિલાએ બૂમાબૂમ કરતા તેના પરિવારના લોકો જાગી ગયા હતા અને તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાને તાત્કાલિક બર્ન વિભાગમાં સારવાર આપવામાં આવી હતી. પરંતુ તે ગંભીર રીતે દાઝી જતાં સવારે 6:30 વાગે તેનું મોત નીપજ્યું હતું. મૃતકની દીકરીએ જણાવ્યું કે, અમે સુઈ રહ્યા હતા ત્યારે શંભુએ માતા ઉપર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હતી. અમે તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને પોલીસને પણ જાણ કરી હતી.
આડા સંબંધની શંકાના પરિણામ :સુરત ACP એલ.બી. ઝાલાએ જણાવ્યું કે, મહિલાને આરોપીએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ સમગ્ર મામલે પરિવારે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને કતારગામ નજીક એક મંદિર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. હત્યા કરીને તે મંદિરમાં છુપાઈ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા અને આરોપી છેલ્લા આઠ વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા તથા પાંચ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આરોપીને લાગ્યું કે પ્રેમીકાને કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે. જેની આશંકામાં બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- Bihar Crime: લગ્નના દબાણથી કંટાળી બોયફ્રેન્ડે ગર્ભવતી સગીરાને જીવતી સળગાવી દીધી, પરિવારજનોને પણ બનાવ્યા બંધક
- બિહારના અરવલમાં ગુંડાઓએ માતા-પુત્રીને જીવતી સળગાવી દીધી