સુરત: સુરતમાં મહાનગરપાલિકામાં સફાઈ કામદાર અને બેલદારની નોકરી મેળવવામાં કેટલાંક લોકોએ ગેરરીતી આચરી હોવાનું સામે આવ્યું છે. ઓલપાડના જહાંગીરપુરા રોડ પર આવેલા સંગીની સાકાર એપાર્ટમેન્ટમાં 1 રહેતા 32 વર્ષીય ધવલ રાજેશભઈ મોદી સુરત મહાનગરપાલિકાની મુગલીસરા મેઈન ઓફિસમાં પર્સનલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, કેટલાંક લોકોએ બેલદારની ભરતીમાં પોતાની શૈક્ષણિક લાયકાત છુપાવીને મનપામાં નોકરી મેળવી છે. પાલિકા દ્વારા ગત તા.8 મે 2012ના રોજ સફાઈ કામદાર, ડ્રેનેજ તથા બેલદારની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી.
બોગસ સર્ટી દ્વારા મેળવી નોકરી: સફાઈ કામદાર અને બેલદાર માટે શૈક્ષણિક લાયકાત ધો.2 થી 4 પાસ અને વધુમાં વધુ ધો-9 પાસ સુધી રાખવામા આવી હતી. આ નોકરી મેળવવા માટે 12 પાસ રાહુલકુમાર કાંતી મકવાણાએ ધો-7નું ખોટું લીવીંગ સર્ટી રજૂ કર્યુ, જ્યારે 12 પાસ હિતેશકુમાર ચતુર પટેલે પણ ધો-7 પાસનું લીવીંગ સર્ટી રજૂ કર્યું તેમજ વિશાલકુમાર શંકર પટેલ એ પણ ધો-12 પાસ હોવા છતાં ધોરણ 7 પાસનું સર્ટી રજુ કરીને નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું છે.