વડોદરા: શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે અંકલેશ્વરના માડવા અને ભરૂચ જિલ્લાના મક્તપુરા ગામના 25 જેટલા લોકો આવ્યા હતા.જે પૈકી ગૃપના બે યુવાનો ડૂબી જતાં લાપતા થયા છે. જેની જાણ કરજણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બે યુવાનો ડૂબી જતાં ગૃપમાં ગમગીની: જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના અને ભરૂચ જિલ્લાના મકતમપુરા ગામના 25 જેટલા લોકોનું ગ્રુપ પિકનિક માટે શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા હતા. જે પૈકી હિતેશ રમેશ પટેલ અને યશ રાકેશ પટેલ ડૂબી જતા લાપતા થયા હતા આ બંને યુવાનોને કરજણ ફાયર બ્રિગેડના લશ્કરો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ મોડી રાત સુધી બંનેનો કોઇ પત્તો મળ્યો ન હતો. ગ્રુપના બે યુવાનો ડૂબી જતા ગ્રુપમાં ગમગીની છવાઇ ગઇ હતી.
આખરે તલાટીને જાણ કરી: શિનોર તાલુકાના દિવેર નર્મદા નદીમાં નાહવા માટે આવેલા ગ્રુપના પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, અમારું ગ્રુપ નર્મદા નદીમાં નાહવાનો આનંદ લઈ રહ્યું હતું. આ દરમિયાન એક કલાક પછી ગ્રુપને હિતેશ રમેશ પટેલ અને યશ રાકેશ પટેલ ન દેખાતા તેઓની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેઓ મળી ન આવતા આખરે દિવેર ગામના તલાટીને જાણ કરી હતી. ગામના તલાટીએ આ બનાવ અંગેની જાણ શિનોર નાયબ મામલતદારને કરી હતી અને બચાવ ટુકડી મોકલવા માટે જણાવ્યું હતું. તુરતજ નાયબ મામલતદારે કરજણ ફાયર બિગેડને કરતાં લાશ્કરો તમામ સાધન સામગ્રી સાથે આવી પહોંચ્યા હતા. તે પૂર્વે ગામના તલાટીએ સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને નર્મદા નદીમાં લાપતા થયેલા બંને યુવાનોની શોધખોળ શરૂ કરાવી દીધી હતી. આમ કરજણ ફાયર બિગેડના લાશ્કરો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત સુધી બંને યુવાનોનો કોઈ પતો મળ્યો ન હતો.