ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના ડૉ.કર્ણ મહેશ્વરીની કરામત, 10 વર્ષના બાળકનો કાંડેથી કપાયેલો હાથ ફરી જોડી આપ્યો - DOCS REATTACH SEVERED HAND

અમદાવાદના 10 વર્ષના એક બાળકનો હાથ લિફ્ટમાં આવી જતાં કાંડેથી કપાઈને ગયો હતો, જોકે, ડૉ.કર્ણ મહેશ્વરીએ બાળકના હાથની સફળ સર્જરી કરીને તેને ફરીથી જોડી આપ્યો.

અમદાવાદના ડૉ.કર્ણ મહેશ્વરીએ 10 વર્ષના બાળકનો કાંડેથી કપાયેલો હાથ ફરીથી રિપ્લાન્ટ કર્યો
અમદાવાદના ડૉ.કર્ણ મહેશ્વરીએ 10 વર્ષના બાળકનો કાંડેથી કપાયેલો હાથ ફરીથી રિપ્લાન્ટ કર્યો (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2024, 2:12 PM IST

અમદાવાદ: અમદાવાદમાં રહેતા એક શ્રમિક પરિવારના ૧૦ વર્ષનો બાળક પ્રતીક પાંડેનો લિફ્ટમાં હાથ આવી જતાં હાથ કાંડેથી કપાઈને અલગ થઈ ગયો હતો. ત્યારે અમદાવાદના હેન્ડ એન્ડ માઇક્રો સર્જરીના નિષ્ણાત ડૉ. કર્ણ મહેશ્વરીએ બાળકના હાથને રિ-પ્લાન્ટ કરીને તેને ફરી જોડી આપ્યો. બાળકના હાથની સફળ સર્જરી જતાં અને કપાયેલો હાથ ફરી જોડાતા શ્રમિક પરિવારમાં ખુશીઓની લહેર ફરી વળી છે.

લિફ્ટમાં બાળકનો હાથ આવી જતાં કપાયો: અમદાવાદની લેમડા ઇન્ટાસ કંપનીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા પંકજ પાંડેનો દીકરો પ્રતીક તેના એક મિત્ર સાથે ક્રિકેટ રમતો હતો. પ્રતીકને મોટા થઈને બુમરાહ જેવા ફાસ્ટ બોલર બનવાનું સપનું છે, એટલે એની પસંદ મુજબ તે બોલિંગ કરતો હતો. પ્રતીકના મિત્રએ દડાને ફટકારતા નજીક આવેલી લિફ્ટમાં દડો જતો રહ્યો. ૧૦ વર્ષનો પ્રતીક વધુ વિચાર્યા વિના ઉતાવળે એ દડો લેવા માટે લિફ્ટની જાળીમાં હાથ નાખે છે. ઉપરના માળેથી કોઈએ લિફ્ટને કોલ આપતાં અચાનક લિફ્ટ ઉપર ચાલવા લાગે છે. પ્રતીકે હાથમાં કડું પહેર્યું હતું એટલે પ્રતીકનો હાથ લિફ્ટની જાળીમાં ફસાઈ જાય છે. પ્રતીક લિફ્ટની સાથે ઉપર તરફ ખેંચાય છે, તે બૂમ પાડે છે એટલે તેના ફોઇ દોડીને પ્રતીકને પકડી લે છે. પરંતુ લિફ્ટના ફોર્સને કારણે પ્રતીકનો હાથ કાંડેથી કપાઈ જાય છે. થોડી જ સેકન્ડ્સના આ ઘટનાક્રમમાં પ્રતીક એનો હાથ ખોઈ બેસે છે.

ક્રીષા હોસ્પિટલમાં ચાલી 10 કલાક સુધી બાળકના હાથની સર્જરી (krishahospital.in)

ડૉ.કર્ણ મહેશ્વરીએ કરી હાથની સફળ રિ-પ્લાન્ટ સર્જરી: પંકજભાઈ તેના દીકરાની આવી સ્થિતિ જોઈને હતપ્રભ બની જાય છે. સમયસૂચકતા વાપરીને તેઓ કપાઈને લિફ્ટના ઉપરના ભાગે ફસાયેલા હાથને ઉતારી લે છે. પ્રતીક અને તેના કપાયેલા હાથને લઈને તેઓ અસારવા સ્થિત મેડિસિટી સિવિલ હોસ્પિટલમાં દોડી જાય છે. અહીં પ્રતીકના હાથને મેડિકલ નોર્મ્સ પ્રમાણે બરફ અને પ્લાસ્ટિકમાં પ્રિઝર્વ કરવામાં આવે છે.

હેન્ડ એન્ડ માઈક્રો સર્જરીના નિષ્ણાત છે ડૉ. કર્ણ મહેશ્વરી (Etv Bharat gujarat)

૧૦ કલાક ચાલી હાથની મેરેથોન સર્જરી:અહીંથી પ્રતીકને હેન્ડ એન્ડ માઈક્રો સર્જરીના એકમાત્ર નિષ્ણાત ડૉક્ટર કર્ણ મહેશ્વરીને ત્યાં ક્રીષા હોસ્પિટલમાં લાવવામાં આવે છે. કપાઇને છૂટા પડી ગયેલા હાથને ફરીથી જોડવા એટલે કે રિપ્લાન્ટ કરવા માટે બે થી છ કલાકનો સમય આદર્શ હોય છે. પ્રતીકનો હાથ કપાયો તેને હજી માત્ર બે કલાક જ થયા હતા, એટલે તબીબોની ટીમ પાસે પૂરતો સમય હતો. ડૉ. કર્ણ મહેશ્વરી અને તેમની ટીમ આ ઓપરેશનની પૂર્વતૈયારી પ્રતીક હોસ્પિટલમાં આવે તે પહેલા જ આટોપી લે છે. પ્રતીકને ક્રીષા હોસ્પિટલમાં લાવતાની સાથે જ તેનું ઓપરેશન શરૂ કરવામાં આવે છે. બપોરે ચારથી મોડી રાત્રે બે વાગ્યા સુધી એમ ૧૦ કલાક ચાલેલી મેરેથોન સર્જરીમાં હાડકા, સ્નાયુ, લોહીની નળીઓ, ચેતા, ચામડી બધુ જોડી દેવામાં આવ્યું.

સિવિલ હોસ્પિટલમાં ઓનરરી કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપે છે કર્ણ મહેશ્વરી (www.krishahospital.in)

કોણ છે ડૉ. કર્ણ મહેશ્વરી: ઉલ્લેખનીય છે કે હેન્ડ એન્ડ માઈક્રો સર્જરીના નિષ્ણાત ડૉ. કર્ણ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા માન્યતા પ્રાપ્ત ફેલો એટ નેશનલ બોર્ડ (FNB) સર્જન છે. તેઓ સિવિલ હોસ્પિટલમાં ઓનરરી કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે. એટલું જ નહીં, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યો વચ્ચે કાર્યરત એવા એકમાત્ર હેન્ડ એન્ડ માઇક્રો સર્જરી તજ્જ્ઞ છે.

ડૉ. કર્ણ જણાવે છે કે, જો હાથ ખભાથી છૂટો પડે તો બે કલાકમાં, બાવડાથી છૂટો પડે તો ચાર કલાકમાં, કાંડાથી છૂટો પડે તો છ કલાકમાં અને કોઈ આંગળી કપાઈ જાય તો ૨૪ કલાકની અંદર તેને રિપ્લાન્ટ કરી શકાય છે. પ્રતીકના હાથને પીડિયાટ્રિક-ઓર્થોપેડિક સર્જન તેમજ એનેસ્થેટીસ્ટને સાથે રાખીને જોડવામાં આવ્યો છે.

હાથ સફળતાપૂર્વક રિપ્લાન્ટ: ડૉ. કર્ણ આગળ જણાવે છે કે, આ પ્રકારના કપાઈ ગયેલા હાથને જોડવાની સર્જરી ખૂબ જ જટિલ હોય છે. જો હાથ ડીકમ્પોઝ ન થયો હોય તો ઓપરેશનથી સ્નાયુ, ચેતા, લોહીની નળીઓ જોડીને તેને રિપ્લાન્ટ કરી શકાય છે. દસ દિવસ જેટલો સમય ઓબ્ઝર્વેશન કર્યા પછી હાથમાં રક્તનો પ્રવાહ અને હલનચલન પૂર્વવત્ થાય તો હાથ સફળતાપૂર્વક રિપ્લાન્ટ થયેલો ગણાય છે.

સર્જરી પહેલાં બાળક પ્રતીક પાંડે (Etv Bharat gujarat)

બાળકોને હાથમાં ઘરેણા પહેરાવવાનું ટાળો: ડૉ. કર્ણ વધુમાં જણાવે છે કે, જૂની ટેકનોલોજી અને જાળીવાળી લિફ્ટમાં અકસ્માતની સંભાવના વધુ રહે છે, આથી આવી લિફ્ટ જો ઈમારતમાં હોય તો તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત હાથમાં કડું, બ્રેસલેટ, હાથની વીંટી વિગેરે પહેરતા હોઈએ તો તે ક્યાંય ફસાઈ નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. શક્ય હોય તો બાળકને આવા ઘરેણા પહેરાવવા જોઇએ નહીં.

શ્રમિક પરિવારમાં ખુશીનો માહોલ: પ્રતીકનો હાથ રીપ્લાન્ટ થયો એને દસ દિવસ થયા છે અને તેની સ્થિતિ ખૂબ જ સારી છે. દીકરાના હાથને ફરીથી હલનચલન કરતો જોઈને પરિવાર અત્યંત ખુશ છે. શ્રમજીવી પરિવાર ડૉ. કર્ણને આશીર્વાદ આપતા થાકતો નથી.પ્રતીકના મમ્મી કહે છે કે, જેમ ભગવાને ગણપતિ બાપાના મસ્તકને જોડી આપ્યું હતું એમ મારા દીકરાનો કપાયેલો હાથ ફરીથી જોડીને ડૉક્ટરે અમારા માટે ભગવાનનું કામ કર્યું છે.

આ પણ વાંચો

  1. એક બાજુ ખ્યાતિ જેવી હોસ્પિટલના તબીબો અને બીજી બાજુ વાપીના આ તબીબોઃ જુઓ કેવી રીતે બચાવ્યો બાળકનો જીવ
  2. હાર્ટ એટેકથી બંધ થયેલા હૃદયને વાપીના તબીબે ફરી ધબકતું કરી આપ્યું દમણના દર્દીને નવજીવન - give start to the stopped heart

ABOUT THE AUTHOR

...view details