નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 19-23 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે અને બીજી મેચ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુરમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા પોતાની તૈયારીઓને મજબૂત કરવામાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચેન્નાઈમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.
બાંગ્લાદેશ ટેસ્ટ પહેલા વિરાટ-રોહિતે આક્રમક સ્ટાઈલ બતાવી:
આ સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નેટમાં ખૂબ પરસેવો પાડી રહ્યા છે, જેનો એક વીડિયો BCCI દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનની ઝલક આ વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયોમાં ટીમ વિરાટ અને રોહિત બંને બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ સમય દરમિયાન, આ બંને અનુભવી બેટ્સમેન ઝડપી બોલરો અને સ્પિન બોલરોની સામે આક્રમક શૈલીમાં પ્રેક્ટિસ કરતા જોવા મળે છે.