ચેન્નાઈ (તમિલનાડુ): બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનાર પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા મેદાન પર ઘણો પરસેવો પાડી રહી છે. આ આવનારી સીરિઝમાં ફરી એકવાર ચાહકોની નજર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર કેન્દ્રિત થશે, જે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરવાની નજીક છે. ચેન્નાઈમાં ટેસ્ટની શરૂઆત પહેલા જ વિરાટનું જોરદાર ફોર્મ જોવા મળ્યું હતું. પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટે એટલો જોરદાર શૉટ માર્યો કે ચેપોક સ્ટેડિયમની દિવાલ તૂટી ગઈ.
વિરાટે સ્ટેડિયમની દિવાલ તોડી નાખી:
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટે રવિવારે ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વિરાટે જોરદાર શોટ કર્યો અને એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક)ની દિવાલ તોડી નાખી. પ્રેક્ટિસ સેશનમાં બેટિંગ કરતી વખતે કોહલીનો એક શોટ દિવાલ સાથે અથડાયો અને તેમાં બોલના કદનું એક મોટું કાણું પડી ગયું.
આ ઘટનાની જાણ બ્રોડકાસ્ટર જિયો સિનેમા દ્વારા કરવામાં આવી હતી, જે ચેન્નાઈમાં પ્રેક્ટિસ સેશનમાં હતા. નઝમુલ શાંતોની કમાન્ડવાળી ટીમ સામે પ્રથમ ટેસ્ટ મેચના એક સપ્તાહ પહેલા ભારતીય ટીમ સખત મહેનત કરી રહી છે.