નવી દિલ્હી: CAS એ વિનેશ ફોગાટ પર સુનાવણીની અપીલ સ્વીકારી લીધી છે, જેને પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. આ માટે શુક્રવારે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે સુનાવણી હાથ ધરવામાં આવશે. સ્પોર્ટ્સ કોર્ટે વકીલની નિમણૂક કરવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘને માહિતી પણ મોકલી આપી છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશને અપીલ સ્વીકાર્યા બાદ કોર્ટ ઓફ સ્પોર્ટ્સ (CAS) સમક્ષ વિનેશ ફોગાટની અપીલ માટે વકીલની નિમણૂક કરવા વધારાના સમયની વિનંતી કરી છે. વિનેશે બે કેસમાં પોતાની અયોગ્યતા સામે અપીલ કરી હતી. પ્રથમ અપીલ મેચની શરૂઆત પહેલા તેમને ફરીથી વજન કરવાની મંજૂરી આપવાની હતી, જેના પર કોર્ટે ઝડપથી પ્રતિક્રિયા આપી અને તેને નકારી કાઢી અને સુવર્ણ ચંદ્રકની મેચ બુધવારે રાત્રે નિર્ધારિત સમય મુજબ યોજાઈ.
બીજી અપીલ એ હતી કે, તેને સિલ્વર મેડલ આપવામાં આવે, કારણ કે તેણે મંગળવારે યોગ્ય વજન કરીને તે મેળવ્યો હતો. CAS એ તેમની બીજી અરજી સ્વીકારી લીધી છે અને નિર્ણય સમયે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, CASએ ભારતીય ટીમને ગુરુવારે ભારતના સમય અનુસાર, રાત્રે 9:30 વાગ્યા સુધી તેના કાનૂની પ્રતિનિધિત્વને અંતિમ સ્વરૂપ આપવાની મંજૂરી આપી હતી. જો કે, ભારત સરકારે શ્રેષ્ઠ વકીલની નિમણૂક કરવા માટે સુનાવણીમાં વધારો કરવાની માંગ કરી છે.