જામનગર: ગ્રામ્યની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલની અંડર 17 હોકી ટીમે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં એક શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે. રાજકોટમાં યોજાયેલી આ સ્પર્ધામાં ફાઇનલ મેચમાં દેવગઢ બારીયાની ટીમને 2-1ના રોમાંચક સ્કોરથી પરાજય આપીને ગોલ્ડ મેડલ જીતીને જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. 'સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત' દ્વારા જવાહરલાલ નેહરુ હોકી અંડર 17 બહેનો માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાનું 21 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર દરમ્યાન રાજકોટ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ ઉજજની અંડર 17 બહેનોની ટીમે હોકીમાં વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. આ વિજય માટે ટીમના ખેલાડીઓ, કોચ અને વિદ્યાલયના સંચાલકોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
ગુજરાત સરકારની સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત આ ટીમને હોકીની ઉત્કૃષ્ટ તાલીમ મળી હતી, જેના પરિણામ સ્વરૂૂપે આ શાનદાર વિજય પ્રાપ્ત થયો છે. આ વિજયથી જિલ્લામાં કન્યાઓને તેમજ હોકી રમતને વેગ મળશે અને વધુને વધુ યુવા ખેલાડીઓ આ રમત તરફ આકર્ષિત થશે.
આગામી માસમાં દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં આ ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં પણ ટીમ સારું પ્રદર્શન કરશે તેવી આશા રાખવામાં આવે છે. જિલ્લા રમત વિકાસ અધિકારી રાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છા પાઠવી હતી અને વિદ્યાલયના સંચાલકોએ ટીમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.આ વિજય જામનગર જિલ્લા માટે ગૌરવની પળ છે. .
આ પણ વાંચો:
- ખેલજગતમાં ચર્ચાનો વિષય બન્યો ગુજરાતનો આ ખેલાડી, 498 ના જંગી સ્કોર સાથે બન્યો દેશનો છઠ્ઠો ક્રિકેટર… - Yong Cricketer Drona Desai
- કચ્છના આ ક્રિકેટરની અંડર - 19 ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી, જાણો કોણ છે આ યુવા ખેલાડી… - Harvansh Singh INDVSAUS U 19