નવી દિલ્હી:ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી સુપર-8 મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યુ. આ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી અને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરતા અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 134 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે 47 રનથી જીત મેળવી હતી.
સૂર્યાના નામે નોંધાયો આ રેકોર્ડ: સૂર્યાએ આ શાનદાર ઇનિંગથી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સૂર્યા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 200 ચોગ્ગા મારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. આ મેચ પહેલા સૂર્યાના નામે 63 T20 મેચોની 60 ઇનિંગ્સમાં 195 ચોગ્ગા હતા અને તેને 200 ચોગ્ગા પૂરા કરવા માટે 5 ચોગ્ગાની જરૂર હતી, જે અફઘાનિસ્તાન સામે તેના બેટમાંથી આવ્યા હતા. આ સાથે, તેણે T20 ક્રિકેટમાં તેના 200 ચોગ્ગા પૂરા કર્યા અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 200 ચોગ્ગા ફટકારનાર રોહિત શર્મા (365 ચોગ્ગા) અને વિરાટ કોહલી (362 ચોગ્ગા) પછી ત્રીજો બેટ્સમેન બની ગયો છે.