સુરત : આજે અમે તમને સુરતની એક એવી દીકરીની વાત કરવા જઈ રહ્યા છીએે જેણે સ્ટેટ, નેશનલ અને ઇન્ટનેશનલ લેવકના જીમ્નાસ્ટિક ઇવેન્ટમાં દેશનું રાજ્યનું અને સુરતનું નામ રોશન કર્યું છે. કંપની સેક્રેટરી બનવા માટે તૈયારીઓ કરી રહેલી અને સુરતના ઘોડદોડ રોડ પર રહેતી પ્રકૃતિ શિંદેની ઉંમર આમ તો 21 વર્ષ છે, પરંતુ આટલી નાની ઉંમરમાં પ્રકૃતિ શિંદેએ ઇન્ટરનેશનલ ચેમ્પિનશિપમાં 1 ગોલ્ડ, નેશનલ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ, 7 સિલ્વર, અને 3 બ્રોન્ઝ મેડલ તથા રાજ્ય સ્તર પર 30 સુવર્ણ, 7 રજત અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટિક પ્લેયર તરીકે સુરત, ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.
8 વર્ષની ઉંમરથી શરુ કર્યું જીમ્નાસ્ટિક : પ્રકૃતિ શિંદે નાનપણથી ખેલકૂદમાં રુચિ ધરાવતી હતી. 8 વર્ષની ઉંમરથી જ પ્રકૃતિ શિંદેએ જીમ્નાસ્ટિક શીખવાનું શરૂ કર્યું હતું. સ્કૂલમાં રજાઓનાં દિવસમાં સમયનો સદઉપયોગ કરી જીમ્નાસ્ટિકની પ્રેક્ટિસ કરતી હતી. જેમ જેમ જીમ્નાસ્ટિકમાં રૂચી વધતી ગઈ તેમ તેમ વધારે સમય આપી જીમ્નાસ્ટિકની કોમ્પિટિશનમાં ભાગ લઈ રહી હતી. જીમ્નાસ્ટિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાવાળી પ્રકૃતિ શિંદે ભણવા સાથે રોજ 14 કલાક પ્રેક્ટિસ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રકૃતિ ભણવામાં પણ હોશિયાર છે અને એણે અંગ્રેજી માધ્યમમાં કોમર્સ ગ્રેજ્યુએશન પણ કર્યું છે.