નવી દિલ્હીઃ ભારતના ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ફરી એકવાર ભારતીય ચાહકોને નિરાશ કર્યા છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ 2024નો ખિતાબ જીતવાથી ચૂકી ગયો. ભારતીય ચાહકોને અપેક્ષા હતી કે, તે ટાઇટલ જીતશે પરંતુ નીરજ તે કરી શક્યો નહીં. વાસ્તવમાં, નીરજ ચોપરા લાંબા સમયથી ગ્રોઇન ઇન્જરીથી (કામર્મ ખેંચાણ, જાંઘની અંદરની માસપેશીઓમાં ખેંચાણની સ્થિતિ) પીડાઈ રહ્યો છે, જેના કારણે તે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા અને હવે તેની અસર ડાયમંડ લીગ 2024ની ફાઇનલમાં પણ જોવા મળી હતી. પરિણામ એ આવ્યું કે, નીરજ ખિતાબ જીતવાથી માત્ર 1 સેન્ટિમીટર ઓછો પડ્યો.
નીરજ ચોપરા 1 સેન્ટિમીટરથી ટાઇટલ જીતવામાં ચૂકી ગયો
ડાયમંડ લીગ 2024ની ફાઈનલ શનિવારે રાત્રે બ્રસેલ્સમાં રમાઈ હતી. આ અંતિમ ઈવેન્ટમાં ભારતના ટોપ શોટ પુટ થ્રોઅર નીરજ ચોપરાએ 87.86 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન હાંસલ કર્યું હતું. આ સાથે તે સતત બીજી વખત આ ટુર્નામેન્ટનો વિજેતા બનવાનું ચૂકી ગયો છે. નીરજ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવામાં પણ ચૂકી ગયો હતો.