નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સીરીઝ પર કબજો કરી લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે રિંકુ અને નીતીશ રેડ્ડીની અડધી સદીની મદદથી 222 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશ 135 રન જ બનાવી શકી હતી.
બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાની તક આપી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ભારતની ત્રણ મહત્વની વિકેટો વહેલી આઉટ કરી દીધી હતી જેમાં સંજુ સેમસન 10 રન, અભિષેક શર્મા 15 અને સૂર્યકુમાર યાદવ 8 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી બેટિંગ કરવા આવેલા રિંકુ સિંહ અને નીતિશ રેડ્ડીએ અડધી સદીની ઇનિંગ રમી હતી.
નીતિશ-રિંકુની જોડી કમાલ કરી:
નીતિશે પોતાની ઇનિંગ દરમિયાન 34 બોલનો સામનો કર્યો જેમાં તેણે 74 રન બનાવ્યા. જેમાં 7 સિક્સ અને 4 ફોરનો સમાવેશ થાય છે. આ સિવાય રિંકુ સિંહે પણ 53 રનની શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. રિંકુએ 27 બોલમાં સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે આ પછી તે એક પણ રન ઉમેરી શક્યો નહોતો. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 3 સિક્સર અને 5 ફોર ફટકારી હતી.