નવી દિલ્હી:ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે શુક્રવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઘરેલુ ક્રિકેટ રમવાની પ્રતિબદ્ધતા પૂરી ન કરવા બદલ કેન્દ્રીય કરાર ન આપવાના નિર્ણયને સમર્થન આપતાં કહ્યું કે, જો કેટલાક ખેલાડીઓને નુકસાન થશે તો થશે. કારણ કે દેશથી વધીને કોઈ નથી. કપિલે એમ પણ કહ્યું કે રણજી ટ્રોફી જેવી ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટને બચાવવા માટે આ જરૂરી પગલું છે.
ઇશાન કિશન અને શ્રેયસ અય્યર ફટકો: ઇશાન કિશન અને શ્રેયસ અય્યરને બુધવારે 2023-24 સીઝન માટે BCCIની કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ નિર્ણય પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે જેમાં કીર્તિ આઝાદ અને ઈરફાન પઠાણે આ બે ખેલાડીઓનું સમર્થન કર્યું છે. કપિલે કોઈનું નામ લેવાનું ટાળતા કહ્યું કે બીસીસીઆઈએ ઘરેલુ ક્રિકેટના મહત્વને જાળવી રાખવા માટે નિર્ણય લેવાનો જ હતો.
કપિલ દેવની ટકોર: કપિલ દેવે કહ્યું, 'હા, કેટલાક ખેલાડીઓને પરેશાની થશે. કેટલાક લોકોને તકલીફ પણ થશે તો થવા દો. પરંતુ દેશથી મોટું કોઈ નથી. ખૂબ જ સારો નિર્ણય છે. હું બીસીસીઆઈને ઘરેલુ ક્રિકેટની સ્થિતિ બચાવવા માટે જરૂરી પગલાં લેવા બદલ અભિનંદન આપું છું. મને એ જોઈને દુઃખ થયું કે એક વખત ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની જાતને સ્થાપિત કરી લીધી, પછી તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવાનું બંધ કરી દેતા હોય છે.
BCCIના નિર્ણયની કરી પ્રશંસા: કપિલે આગળ કહ્યું, 'આ સંદેશ પહેલા આપવો જોઈતો હતો. બીસીસીઆઈ દ્વારા લેવામાં આવેલ આ એક મજબૂત પગલું છે જે ઘરેલુ ક્રિકેટની પ્રતિષ્ઠા જાળવવામાં ફાયદાકારક રહેશે. હું હંમેશા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પોતપોતાના રાજ્યો માટે ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયામાં વિશ્વાસ ધરાવું છું. આ સ્થાનિક ખેલાડીઓને તેમનો ટેકો મેળવીને મદદ કરે છે. આ ઉપરાંત, રાજ્ય સંઘ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પરત કરવાનો આ એક સારો માર્ગ છે. હું ખુશ છું કે BCCIએ ખેલાડીઓની પેન્શનની રકમમાં વધારો કર્યો છે જે તે લોકો માટે ફાયદાકારક રહેશે જેમના પરિવાર પેન્શન પર નિર્ભર છે.
BCCIએ કેન્દ્રીય કરારની જાહેરાત કરતા ખેલાડીઓને સ્થાનિક સ્પર્ધાઓને મહત્વ આપવાનો આગ્રહ કર્યો હતો. કપિલે એ પણ કબૂલ્યું હતું કે સ્થાનિક ક્રિકેટ રમવું એ સ્થાપિત સ્ટાર ખેલાડીઓની જવાબદારી છે કારણ કે તેઓએ પોતપોતાના રાજ્યો માટે રમીને જ સફળતા મેળવી છે.