અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે મોડી રાત્રે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની અંતિમ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ચાહકોને આ પ્રતિષ્ઠિત મેગા ટુર્નામેંટ પહેલા મોટો ફટકો પડ્યો છે જેનું કારણ ભારતીય ટીમનો મજબૂત સ્તંભ કહેવાતા જસપ્રીત બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.
બુમરાહ ટીમમાંથી બાહર, આ ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન:
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાકિસ્તાનમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયો છે. જોકે, ભારત તેની બધી મેચો દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં રમશે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અજિત આગરકરની આગેવાની હેઠળની 5 સભ્યોની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ આ મોટી ઇવેન્ટ માટે બુમરાહની જગ્યાએ યુવા જમણા હાથના ફાસ્ટ બોલર હર્ષિત રાણાનો ટીમમાં સમાવેશ કર્યો છે.
બીસીસીઆઈના નવનિયુક્ત સચિવ દેવજીત સૈકિયાએ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કમરના નીચેના ભાગમાં થયેલી ઈજાને કારણે 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે."
તમને જણાવી દઈએ કે, બુમરાહને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી અને અંતિમ ટેસ્ટ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી અને ત્યારથી તે એક પણ મેચ રમ્યો નથી.
જયસ્વાલની જગ્યાએ ચક્રવર્તીને તક મળી
રાષ્ટ્રીય પસંદગીકારોએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં યુવા સ્પિનર વરુણ ચક્રવર્તીનો પણ સમાવેશ કર્યો છે, જેમણે તાજેતરમાં જ વનડે ડેબ્યૂ કર્યું હતું. રેકોર્ડ અનુસાર ચક્રવર્તી 'સર ફારૂખ એન્જિનિયર' પછી ODI માં ડેબ્યૂ કરનાર બીજા સૌથી મોટી ઉંમરના ભારતીય ખેલાડી બન્યા.