એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી શરૂ થશે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે, જે એડિલેડ ઓવલ ખાતે રમાશે. પરંતુ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ઝડપી બોલર જોશ હેઝલવુડ બહાર છે અને તેના સ્થાને સીન એબોટ અને બ્રેન્ડન ડોગેટને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં તક મળી છે. એબોટ અગાઉ ઑસ્ટ્રેલિયા માટે ODI અને T20I રમી ચૂક્યો છે, પરંતુ ડોગેટે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું નથી.
શોન એબોટઃ
32 વર્ષીય શોન એબોટે ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી 26 ODI મેચમાં કુલ 29 વિકેટ લીધી છે. તેણે 20 આંતરરાષ્ટ્રીય T20 મેચમાં કુલ 26 વિકેટ લીધી છે. તેના નામે 261 ફર્સ્ટ ક્લાસ વિકેટ સાથે સ્થાનિક ક્રિકેટમાં પણ તેનો સારો રેકોર્ડ છે. જો કે તેણે હજુ ટેસ્ટમાં પદાર્પણ કર્યું નથી, તે ODI અને T20I માં પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. તે આઈપીએલમાં આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પણ રમી ચૂક્યો છે.
ફિલિપ હ્યુજીસ સાથે સંબંધઃ
2014માં ઓસ્ટ્રેલિયાના આશાસ્પદ ક્રિકેટર ફિલિપ હ્યુજીસનું શેફિલ્ડ શીલ્ડ મેચ દરમિયાન બોલ વાગવાથી મોત થયું હતું. ત્યારે સીન એબોટ બોલિંગ કરી રહ્યો હતો. તેનો બોલ હ્યુજીસને ગરદનના નીચેના ભાગમાં વાગ્યો, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.