અમદાવાદ:શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ ત્રણ પૈકીની બીજી વન ડે મેચમાં ન્યુઝીલેન્ડની વિમેન્સ ટીમે 77 રને જીતીને સિરીઝની આખરી મેચ રોમાંચક બનાવી છે. રવિવારે રમાયેલી શ્રેણીની બીજી વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડે આપેલા 260 રનના લક્ષ્યાંક સામે પૂરી ભારતીય વિમેન્સ ટીમ 47.1 ઓવર રમી ફકત 183 રનમાં સમેટાઈ ગઈ અને ઇન્ડીયન વિમેન્સ ટીમ 77 રનથી હારી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, હવે મંગળવારે ત્રીજી અને અંતિમ વન ડેમાં જે વિજેતા બનશે એ વન ડે શ્રેણીમાં વિજેતા બનશે.
તમને જણાવી દઈએ કે, આ મેચમાં ઇન્ડિયા તરફથી સૌથી વધુ રન રાધા યાદવે બનાવ્યા છે. રાધા યાદવે 64 બોલમાં 48 રન બનાવ્યા છે. રાધા યાદવ અને સાયમા ઠાકોરે 9મી વિકેટ માટે 102 બોલમાં 70રનની ભાગીદારી કરી હતી.
સોફી ડિવાઈને શાનદાર ઇનિંગ રમી: સુઝી બેટ્સ અને જ્યોર્જિયા પ્લિમરે મળીને પ્રથમ વિકેટ માટે 87 રન જોડ્યા હતા. બંનેએ શાનદાર બેટિંગ કરી હતી. સુઝી બેટ્સે 58 રન અને જ્યોર્જિયા પ્લિમરે 41 રન બનાવ્યા હતા. આ સિવાય મેડી ગ્રીને પણ 42 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ તરફથી કેપ્ટન સોફી ડિવાઈને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 86 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 79 રનની ઇનિંગ રમી હતી. ઉપરાંત કપ્તાન સોફી ડીવાઇને ત્રણ વિકેટ ઝડપી હતી. અને લિયા ટાહુહુએ 42 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી રાધા યાદવે 4, દીપ્તિ શર્માએ 2 અને સાયમા ઠાકોર અને પ્રિયા મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.