મુંબઈઃઅહીંના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ ગુમાવ્યો હતો અને ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે મેચમાં મજબૂત શરૂઆત કરી હતી. પરંતુ, ભારતના સ્ટાર ઓલરાઉન્ડરે ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું અને પોતાની કારકિર્દીની 14મી 5 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી. આ શાનદાર પ્રદર્શનના પરિણામે જાડેજાએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર
જાડેજાએ મુંબઈ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી અને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો હતો. જાડેજાએ ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 53મી ઓવરમાં ગ્લેન ફિલિપ્સ (17)ના રૂપમાં ત્રીજી વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી. ફિલિપ્સ તેની 312મી ટેસ્ટ વિકેટ બની અને ઝહીર ખાન (311 વિકેટ) અને ઈશાંત શર્મા (311 વિકેટ)ને પાછળ છોડીને ભારત માટે 5મો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બન્યો.
ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં જાડેજાએ વિલ યંગ (71), ટોમ બ્લંડેલ (0), ગ્લેન ફિલિપ્સ (17), ઇશ સોઢી (7) અને મેટ હેનરી (0)ની વિકેટ લીધી હતી. પુણે ટેસ્ટમાં ખૂબ જ મોંઘો સાબિત થયેલા જાડેજાએ 22 ઓવરમાં 65 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને ન્યૂઝીલેન્ડને 235 રનના લક્ષ્યાંક સુધી રોકી દેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.