નવી દિલ્હીઃભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને શરમજનક રીતે હરાવ્યું છે. ધર્મશાળામાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 64 રનથી હરાવ્યું છે. આ જીત સાથે કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ અને યશસ્વી જાયસ્વાલને પ્લેયર ઓફ ધ સિરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવે પ્રથમ દાવમાં પાંચ અને બીજી ઈનિંગમાં 2 વિકેટ ઝડપી હતી.
યશસ્વી જાયસ્વાલને આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ પ્લેયર ઓફ ધ સીરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જાયસ્વાલે આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બે સદી અને 3 અડધી સદી સહિત કુલ 712 રન બનાવ્યા છે. સુનીલ ગાવસ્કર પછી જાયસ્વાલ એક સિરીઝમાં 700 રન બનાવનાર બીજા ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ પહેલા ગાવસ્કરે 1970-71માં વેસ્ટ ઈન્ડિઝ સામે 774 રન બનાવ્યા હતા.
પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવ્યા બાદ જાયસ્વાલે કહ્યું, 'મેં આ સિરીઝનો ખૂબ આનંદ લીધો. હું એક સમયે એક જ મેચ વિશે વિચારી રહ્યો છું. હું માત્ર એ જ વિચારું છું કે હું કેવી રીતે ટીમમાં યોગદાન આપી શકું અને કેવી રીતે ટીમને વિજય સુધી લઈ જઈ શકું.
જાયસ્વાલે વધુમાં કહ્યું કે ''હું માત્ર બોલર્સ પર દબાણ લાવવાનું વિચારી રહ્યો હતો. આ વ્યૂહરચના હતી અને હું તેને વળગી રહેવા માંગતો હતો. કેપ્ટન રોહિત શર્માએ પણ જાયસ્વાલની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે તેણે લાંબી મજલ કાપવાની છે અને તેની સિદ્ધિ જોઈને સારું લાગે છે. તેના જેવો પ્રતિભાશાળી ખેલાડી શરૂઆતથી જ બોલર્સ પર દબાણ બનાવી શકે છે. આગળ ઘણા પડકારો હશે પરંતુ તેને પડકારો ગમે છે.
જાયસ્વાલે આ સિરીઝમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ તોડ્યો છે. તે એક સિરીઝમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. જાયસ્વાલે 26 સિક્સર ફટકારી છે. તેણે સચિન તેંડુલકર અને ઈંગ્લેન્ડના બેટ્સમેન એલિસ્ટર કૂકની સમગ્ર ટેસ્ટ કારકિર્દી કરતાં એક શ્રેણીમાં વધુ સિક્સર ફટકારી છે.
- Team India: ભારતીય ખેલાડીઓને ઘી-કેળા, BCCIએ કર્યો રૂપિયાનો વરસાદ
- IPL 2024: ક્રિકેટનો મહાકુંભ IPL 22 માર્ચથી શરૂ થશે, ઓપનિંગ મેચમાં ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે ટક્કર