કટક (ઓડિશા): ભારત અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી બાદ, હવે 3 મેચની ODI શ્રેણી ચાલી રહી છે. આ શ્રેણીની બીજી વનડે આજે 9 ફેબ્રુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે પહેલી મેચ 4 વિકેટથી જીતી લીધી હતી. આ સાથે તેઓએ શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે.
આ પહેલા ભારતે પાંચ મેચની T20I શ્રેણી પણ 4-1થી જીતી છે. આ વનડે સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની તૈયારીઓનો એક ભાગ છે. રસપ્રદ વાત એ છે કે, ટીમ ઈન્ડિયા લગભગ 6 વર્ષ પછી કટકના મેદાન પર આજે વનડે મેચ રમશે.
ભારતે પહેલી વનડે જીતી:
નાગપુરમાં રમાયેલી આ મેચમાં, ટીમ ઈન્ડિયાએ રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાની મજબૂત બોલિંગના આધારે ઈંગ્લેન્ડને ફક્ત 248 રનમાં જ અટકાવી દીધું હતું. આ પછી, શુભમન ગિલ, શ્રેયસ ઐયર અને અક્ષર પટેલની શાનદાર અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ 40 ઓવરમાં જીત મેળવી. હવે ભારતીય ટીમ બીજી મેચ જીતીને સિરીઝ પોતાને નામ કરવાનો પ્રયત્ન કરશે, જ્યારે ઇંગ્લેન્ડ આ મેચ સિરીઝ બરાબર કરવાનો પ્રયાસ કરશે.
બંને ટીમ વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડ:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 108 મેચ રમાઈ છે. આમાંથી ભારતે 59 મેચ જીતી છે, જ્યારે ઇંગ્લેન્ડે 44 વખત જીત મેળવી છે. 3 મેચ ડ્રો રહી છે અને 2 મેચ ટાઇ રહી. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો હંમેશા રોમાંચક રહ્યો છે, જેમાં ભારતે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. બંને ટીમો વચ્ચે છેલ્લી ODI મેચ 2017 માં કટકના મેદાન પર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 15 રનથી જીત મેળવી હતી.
ટીમ ઈન્ડિયાએ કટકના મેદાન પર 19 મેચ રમી:
જો આપણે કટકના બારાબતી સ્ટેડિયમની વાત કરીએ તો, અહીં અત્યાર સુધીમાં 21 ODI મેચ રમાઈ છે, જેમાંથી 19 મેચ ભારતીય ટીમે રમી છે. અહીં રમાયેલી 21 વનડે મેચોમાંથી 2 મેચ રદ કરવામાં આવી હતી જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમે 12 મેચ જીતી હતી જ્યારે પ્રથમ બેટિંગ કરતી ટીમ ફક્ત 7 મેચ જીતી શકી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર રમાયેલી 19 મેચોમાંથી 13 મેચ જીતી છે, જ્યારે ચાર મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તેથી 2 મેચ રદ કરવામાં આવી છે. આ પીચ પર પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 225 થી 230 રન છે.
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ 9 ફેબ્રુઆરી (રવિવાર) ના રોજ બપોરે 1:30 વાગ્યે બારાબતી ક્રિકેટ સ્ટેડિયમ, કટક ખાતે રમાશે. ટોસ અડધો કલાક પહેલા થશે.
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આગામી ODI શ્રેણીનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓ આ રોમાંચક મેચો તેમના ટેલિવિઝન સેટ પર લાઈવ જોઈ શકે છે. વધુમાં, ડિજિટલ દર્શકો માટે લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર એપ્લિકેશન અને વેબસાઇટ પર ફ્રી માં ઉપલબ્ધ રહેશે. તો ચાહકો આ માધ્યમો થકી લાઈવ મેચ નિહાળી શકે છે.
બંને ટીમોના સંભવિત 11 ખેલાડીઓ:
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી/યશવી જયસ્વાલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર)/કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ/વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), આદિલ રશીદ, જોફ્રા આર્ચર, માર્ક વુડ, સાકિબ મહમૂદ
આ પણ વાંચો:
- દીકરી ઓપીનાનું તાપી-ડાંગમાં ભવ્ય સ્વાગતઃ ખો-ખોમાં દુનિયામાં દેશનું નામ ચમકાવ્યું
- આખરે નિર્ણય લેવામાં આવ્યો…આ તારીખથી શરૂ થશે IPL 2025, જાણો સંપૂર્ણ વિગતો