પર્થ (ઓસ્ટ્રેલિયા):ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ આજથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહ અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ ટોસ માટે મેદાનમાં આવ્યા હતા. બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા બોલિંગ કરતી જોવા મળશે.
નીતિશ અને હર્ષિતની ડેબ્યૂ ટેસ્ટ મેચ:
ભારતીય ક્રિકેટ ટીમમાં આજે બે ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે. જેમાં ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને ઝડપી બોલર હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશના નીતિશ કુમાર રેડ્ડીએ વિરાટ કોહલી પાસેથી તેની ડેબ્યૂ કેપ મેળવી હતી, જ્યારે હર્ષિત રાણાને રવિચંદ્રન અશ્વિન દ્વારા તેની ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી.
ભારતના પ્લેઇંગ-11માં મોટા ફેરફાર:
ભારતીય ટીમે આ મેચમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે. આ મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલને ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શુભમન ગિલને ટીમની બહાર રાખવામાં આવ્યો છે. તેની સાથે દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલને તક મળી છે. જ્યારે સરફરાઝ ખાનને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
ભારતે પોતાની બોલિંગમાં આશ્ચર્યજનક ફેરફારો કર્યા છે. આકાશ દીપને બાદ કરતાં હર્ષિત રાણાને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે રવિચંદ્રન અશ્વિન પણ પ્લેઈંગ-11માંથી બહાર છે, તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું. તે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની શરૂઆત કરતો જોવા મળશે.