જામનગર: રાજવી પરિવાર માટે આજે માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ભારતના દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી અને મૂળ જામનગરના વતની જામસાહેબના પરિવારના સભ્ય એવા અજયસિંહજી જાડેજાને તેમના અનુગામી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે વિજ્યાદશમીની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે અજયસિંહજી જાડેજાની જાહેરાત કરી છે. મહત્ત્વનું છે કે, અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે.
પત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી:
તેમણે પત્રમાં લખ્યું કે,'એવું માનવામાં આવે છે કે દશેરાનો તહેવાર એ દિવસને ચિહ્નિત કરે છે જ્યારે પાંડવો વનવાસમાંથી વિજયી થયા હતા. આ શુભ દિવસે, અજય જાડેજાએ મારા અનુગામી બનવાની અરજી સ્વીકારી હોવાથી મેં મારી મૂંઝવણ દૂર કરી છે. મને વિશ્વાસ છે કે અજય જાડેજા જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ બનશે અને તેમની સેવા સમર્પણથી કરશે. હું તેમનો ખૂબ આભારી છું,"
વારસદારનો ઇતિહાસ?
હાલના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી નિઃસંતાન છે, માટે અજય જાડેજાને તેમના અનુગામીન રૂપમાં પસંદ કર્યા છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા, જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટની સ્થાનિક અને ખૂબ ચર્ચિત સ્પર્ધા રણજી ટ્રોફી જામ સાહેબ રણજીત સિંહના નામે રમાય છે. રણજીતસિંહજી જાડેજા આઝાદી પહેલા ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા હતા.