નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ મેચ 15 ઓક્ટોબરથી મુલતાનમાં રમાશે. પરંતુ તે પહેલા ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને સરફરાઝ અહેમદને બીજી અને ત્રીજી મેચ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
ફખર ઝમાને વિરાટ કોહલીનું ઉદાહરણ આપ્યું:
પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને પૂર્વ કેપ્ટન બાબર આઝમને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવતા નિરાશા વ્યક્ત કરી હતી. ફખરે વરિષ્ઠ ખેલાડીને સમર્થન ન આપવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકા કરી અને ખરાબ ફોર્મમાંથી પસાર થવા છતાં વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયામાંથી બહાર ન કરવાનો દાખલો પણ આપ્યો.
ફખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'બાબર આઝમના આ સમાચાર ચિંતાનું કારણ છે. પાકિસ્તાનના શ્રેષ્ઠ બેટ્સમેનને બાદ કરવાથી નકારાત્મક સંદેશ જશે. તેમણે કહ્યું કે, ભારતે વિરાટ કોહલીના 3 વર્ષ સુધી ખરાબ ફોર્મ હોવા છતાં તેને છોડ્યો નથી. આપણા મુખ્ય ખેલાડીઓને નબળા પાડવાને બદલે આપણે તેમની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ.