અમદાવાદ: ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સાતમી મેચ આજે એટલે કે 25 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં દક્ષિણ આફ્રિકા તરફથી ટેમ્બા બાવુમા આગેવાની કરી રહ્યા છે, જ્યારે સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરી રહ્યા છે.
બંને ટીમોએ પહેલી મેચ જીતી:
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઇંગ્લેન્ડને 5 વિકેટ હરાવ્યું. ઓસ્ટ્રેલીયાએ 351 રનનો પહાડ જેટલો સ્કોર ચેઝ કરી રેકોર્ડ બનાવ્યો હતો. બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ પહેલી મેચમાં અફઘાનિસ્તાનને એકતરફી હરાવ્યું હતું. તેઓ પોઈન્ટ ટેબલમાં પણ ટોચ પર છે. આવી સ્થિતિમાં ટોચના સ્થાન માટે આ બંને ટીમો વચ્ચે આજે સખત સ્પર્ધા જોવા મળશે.
બંને ટીમોની મજબૂત બેટિંગ:
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા બંને ટીમો પાસે ખૂબ જ મજબૂત બેટિંગ છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા બંને આ મેચ જીતીને સેમિફાઇનલ તરફ મજબૂત પગલું ભરવા માંગશે. ઈજાઓને કારણે ઘણા ટોચના ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા નથી. પરંતુ જે રીતે તેઓએ લાહોરમાં ઈંગ્લેન્ડ સામે રેકોર્ડબ્રેક લક્ષ્યને પર કર્યો તેનાથી સ્પષ્ટ થયું કે ICC ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાને ઓછું આંકવું એ એક મોટી ભૂલ હશે.
રાવલપિંડીમાં પિચ કેવી હશે?
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આજની મેચ રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં બેટ્સમેન પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે. જો ઝડપી બોલરો આ મેદાન પર નવા બોલનો ઉપયોગ કરે તો વિકેટ લેવામાં તેમને મદદ મળી શકે છે. પરંતુ એકવાર બેટ્સમેન સ્થિર થઈ જાય, પછી તે મોટી ઇનિંગ્સ રમી શકે છે. ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
વનડે ક્રિકેટમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ:
બંને ટીમો ODI માં 110 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. જેમાં દક્ષિણ આફ્રિકાએ 55 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 51 મેચ જીતી છે. ત્રણ મેચ ડ્રો રહી હતી અને એકનો નિર્ણય થયો ન હતો, જે દર્શાવે છે કે આ ટીમો વર્ષોથી કેટલી સમાન રહી છે. તાજેતરના સમયમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેટલીક હાઇ-સ્કોરિંગ મેચો રમાઈ છે, જેમાં દક્ષિણ આફ્રિકા દ્વિપક્ષીય શ્રેણીમાં આગળ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ 2023ના વર્લ્ડ કપ મેચમાં આફ્રિકાને હરાવ્યું. હવે આફ્રિકા આ મેચ જીતીને પોતાની હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે, બંને ટીમો આજે પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને - સામને રમશે.
- ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો સાતમો મુકાબલો 25 ફેબ્રુઆરી (મંગળવાર) ના રોજ રાવલપિંડીના રાવલપિંડી સ્ટેડિયમ ખાતે બપોરે 2:30 વાગ્યે રમાશે. ટોસ બપોરે 02:00 વાગ્યે થશે.
- JioStar નેટવર્ક પાસે ભારતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સત્તાવાર પ્રસારણ અધિકારો છે. ચાહકો ઓસ્ટ્રેલિયા - આફ્રિકા મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં જોઈ શકે છે. વધુમાં, ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો પણ JioStar નેટવર્ક પાસે છે અને મેચનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર મફતમાં ઉપલબ્ધ થશે.
મેચ માટે બંને ટીમો:
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, બેન દ્વારશી, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, એડમ ઝમ્પા, કૂપર કોનોલી
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, લુંગી ન્ગીડી, કાગીસો રબાડા, રાયન રિકેલ્ટન, તબરેઝ શમસી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડેર ડુસેન, કોર્બિન બોશ
આ પણ વાંચો:
- ગબ્બરે 'બાપુ'ને પહેરાવ્યો મેડલ… ડ્રેસિંગ રૂમમાં શિખર ધવનની ધાંસુ એન્ટ્રી, જુઓ વિડીયો
- 'એલર્ટ'! ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ISKP દ્વારા વિદેશીઓના અપહરણની મળી ચેતવણી