ગુજરાત

gujarat

ETV Bharat / politics

વડોદરા લોકસભા બેઠક ઉપર વિવાદ બાદ ભાજપે ઉમેદવાર બદલ્યો, હવે યુવાન ડોક્ટર હેમાંગ જોશી લડશે ચૂંટણી - Vadodara Lok Sabha Seat - VADODARA LOK SABHA SEAT

વડોદરા લોકસભા બેઠક ઉપર છેલ્લા કેટલા સમયથી ચાલતાં વિવાદ બાદ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલીને યુવાન ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

વડોદરા લોકસભા બેઠક ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી
વડોદરા લોકસભા બેઠક ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 9:28 AM IST

વડોદરા લોકસભા બેઠક

વડોદરા: ગુજરાતની બાકી રહેલ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. અગાઉની યાદીમાં વડોદરા લોકસભા બેઠક ઉપરથી રંજનબેન ભટ્ટનું ત્રીજી વખત નામ રિપિટ કરતાં સમગ્ર શહેર ભાજપ સંગઠન વિવાદોના વાદળોથી ઘેરાયેલુ હતું. જેને લઇને વડોદરા લોકસભા બેઠક ઉપર ભરતી જનતા પાર્ટી એ યુવાન નેતા અને એબીવીપી સાથે જોડાયેલ અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર કરી પીઢ રાજકારણીઓને ચોંકાવી દીધા છે. જેથી હવે સંગઠનનાં અને ગ્રાસ રૂટથી જોડાયેલ યુવા અગ્રણી ઉપર પસંદગીનો કળશ ઢોળાતા સમગ્ર શહેરમાં હર્ષની અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

માત્ર 33 વર્ષની ઉંમરે બન્યાં લોકસભાના ઉમેદવાર

વડોદરા લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયેલ ડોક્ટર હેમાંગ જોશી માત્ર 33 વર્ષની ઉંમર ધરાવે છે અને એટલું જ નહીં તેઓ ફિઝિયોથેરાપીમાં ડોકટર છે અને માસ્ટર ડિગ્રી મેળવી પીએચડી કરી રહ્યાં છે. આમ, યુવાન નેતા અને ઉચ્ચ શિક્ષણ ધરાવનાર વ્યક્તિની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.

ડોક્ટર હેમાંગ જોશી વડોદરા બ્રહ્મ સમાજના યુવાન કાર્યકર અને યુવા પાખના પ્રમુખ રહી ચૂક્યાં છે. એટલું જ નહીં પરંતુ તેઓ મૂળ સંઘનાં અને એબીવીપીના કાર્યકર્તા છે અને મીડિયા સેલના ઇન્ચાર્જ પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં પરંતુ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં તેઓ સેક્રેટરી ઓફ સોશિયલ વર્ક તરીકે પણ કામ કરેલું જે તેમજ 2022 માં વિધાનસભા અકોટા બેઠકના સંયોજક પણ રહી ચૂક્યા છે. આમ, વિવિધ રીતે તેઓ જાહેર જીવનમાં જોડાયેલ રહયાં છે. તેઓ ખૂબ જ ઉત્સાહી હોવાનાં કારણે પ્રજા જોડે ઝડપથી તેઓ સંપર્ક બનાવી શક્યાં છે.

ભારે વિવાદ થતાં લોકસભા બેઠકના ઉમેદવાર બદલાયા

છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરની લોકસભા બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો વચ્ચે મતભેદો ચાલી રહ્યાં હતાં. જેમાં સૌપ્રથમ વડોદરા શહેરના માજી મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ખૂલીને બહાર આવ્યાં હતાં. અગાઉ ઉમેદવાર તરીકે જાહેર થયેલ રંજનબેન ભટ્ટનો વિરોધ કર્યો હતો. તેમજ ઉમેદવાર બદલવાની બાબતે બીડું ઝડપ્યું હતું. જેથી પાર્ટીએ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતાં. બાદમાં વિવાદ વધુ વકર્યો હતો અને રંજનબેન ભટ્ટ વિરુદ્ધ કેટલીક સોસાયટીઓમાં પણ વિરોધ દર્શાવતાં બેનરો લગાવવામાં આવ્યાં હતાં. પરંતુ આજે નવયુવાન અને ઉચ્ચ શિક્ષણ ધરાવતાં પાયાનાં કાર્યકરની પસંદગી થતાં વિવાદ ઉપર પૂર્ણવિરામ મૂકાયું હતું. પરંતુ મહિલા આગેવાનો વચ્ચે વિવાદ થતાં હવે આ બેઠક ઉપર પુરુષ ઉમેદવારની પસંદગી કરાઈ છે.

વડોદરા લોકસભા બેઠક ઉપર કોઈપણ ઉમેદવાર આવે તે ઉમેદવારને મતદારો જંગી બહુમતીથી ચૂંટીને મોકલતાં હોય છે. મતદારો દેશનાં વિકાસ માટે સતત કાર્યરત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલાં કામોને જોઈને મત આપતા હોય છે. ત્યારે મને મતદારો ઉપર ચોક્કસ વિશ્વાસ છે કે, જે રીતે અગાઉ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારોને જે રીતે જંગી બહુમતીથી જીતાડીને દિલ્લી સંસદમાં મોકલતાં તેવી જ રીતે મતદારો મને પણ જંગી બહુમતીથી જીતાડશે અને નરેન્દ્ર મોદીએ મને વડોદરાનું કમળ બનવાનો મોકો આપ્યો છે. જેને પરિપૂર્ણ કરવા માટે મતદારો મને સાથ સહકાર આપશે. - ડો. હેમાંગ જોશી

નામ જાહેર થતાં જે તેઓ બન્યાં ભાવુક: ડોક્ટર હેમાંગ જોશીનું વડોદરા લોકસભા બેઠકો ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાંથી નામ પસંદ થતાની સાથે જ તેઓ ખુશીથી રાજી રાજી થઈ ગયાં હતાં અને જણાવ્યું હતું કે, વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનાં બાળકો માટે જે કંઈ કામગીરી મેં કરી છે, તેના મને આજે આશીર્વાદ મળ્યા છે. તેમ કહેતાં કહેતાં જ તેઓ પોતે ભાવુક બની ગયાં હતાં અને પોતાની નિષ્ઠાપૂર્વકની કામગીરીનું આજે તેઓને ફળ મળ્યું છે. હું સાંસદ બનીશ તો પણ મારાં બાળકોનું હિત જળવાય તેવું કાર્ય હું કરીશ. બાળકોને યાદ કરતા વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશી ભાવુક થઈ ગયાં હતાં અને સૌનો આભાર માન્યો હતો.

  1. ભાજપની પાંચમી યાદી જાહેર, 111 ઉમેદવારોના નામ જાહેર, કંગના રાનૌતને પણ મળી ટિકિટ... - Bjp 5th List For Loksabha Elections
  2. અમરેલી લોકસભા બેઠક પરથી નારણ કાછડીયાનું પત્તું કપાયું, કોંગ્રેસના યુવા મહિલા ઉમેદવાર સામે ભાજપે ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા - Amreli Lok Sabha seat

ABOUT THE AUTHOR

...view details