બિહાર :લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પક્ષપલટાનો ખેલ ચાલુ છે. સાથે જ ટિકિટ કેન્સલ થવાને લઈને પણ તમામ પક્ષોની અંદરથી નારાજગી બહાર આવી રહી છે. ભોજપુરી એક્ટર પવન સિંહની નારાજગી ફરી એકવાર સામે આવી છે. જ્યારે ભાજપે તેમને આસનસોલથી ટિકિટ આપી ત્યારે તેમણે પહેલા ખુશી વ્યક્ત કરી અને પછી નામ પાછું ખેંચી લીધું. હવે તેમણે એક મોટી જાહેરાત કરી છે.
ચૂંટણી લડવાની પવનસિંહની જાહેરાત : ભોજપુરી એક્ટર પવન સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે, માતા ગુરુતરા ભૂમેરુ એટલે કે માતા આ ભૂમિ કરતાં ઘણી ભારે છે અને મેં મારી માતાને વચન આપ્યું હતું કે આ વખતે હું ચૂંટણી લડીશ. મેં નક્કી કર્યું છે કે હું 2024 લોકસભા ચૂંટણી કારાકાટ, બિહારથી લડીશ, જય માતા દી.
પવનસિંહે ભાજપની ઓફર નકારી :તમને જણાવી દઈએ કે ભોજપુરી ગાયક પવનસિંહને ભાજપે આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપી હતી. પરંતુ પવનસિંહે અહીંથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતા તેમણે કહ્યું કે, હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર જાહેર કર્યો. પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં. બાદમાં ભાજપે આસનસોલ બેઠક પરથી એસએસ અહલુવાલિયાને મેદાનમાં ઉતાર્યા છે.
આરાથી ચૂંટણી લડવાની ઈચ્છા :પવનસિંહે બિહારના આરામાંથી ચૂંટણી લડવાની ઈચ્છા ઘણી વખત વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના વિસ્તારમાંથી ચૂંટણી લડવા ઈચ્છે છે. તેમણે આરાથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ એમ પણ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી લોકસભા ચૂંટણી લડી શકે છે.
ઉપેન્દ્ર કુશવાહા સામે ટક્કર :જોકે પવનસિંહે કયા પક્ષના ચિન્હ પરથી લોકસભા ચૂંટણી લડશે તે નથી જણાવ્યું. NDA દ્વારા અહીંથી ઉપેન્દ્ર કુશવાહાને મેદાનમાં ઉતારાયા છે. પવનસિંહ દ્વારા કારાકાટથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ ઉપેન્દ્ર કુશવાહાની મુશ્કેલીઓ વધી શકે છે. મહાગઠબંધનમાં આ સીટ CPIML ના ખાતામાં ગઈ છે. CPIML દ્વારા અહીંથી રાજા રામસિંહને પોતાનો ઉમેદવાર જાહેર કરાયા છે.
- PM મોદી બિહારની મુલાકાતે, કહ્યું - '10 વર્ષમાં જે કંઈ થયું તે માત્ર ટ્રેલર છે, હજી ઘણું કરવાનું બાકી છે'
- પીએમ મોદી અને એચએમ અમિત શાહની હાજરીમાં ભાજપની બીજી યાદીના નામોની ચર્ચા, કેન્દ્રીય ચૂંટણી સમિતિ બેઠક સંપન્ન