બનાસકાંઠાના ડિસામાં પીએમ મોદીની જનસભા બનાસકાંઠા: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનો મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે અનેક સભાઓ તેમજ અલગ અલગ પ્રકારના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠક અને બનાસકાંઠા લોકસભા બેઠક સહિત ગુજરાતની તમામ લોકસભા બેઠકને હસ્તક કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ કર્યા છે.
બનાસકાંઠાના ડીસામાં પીએમ મોદીની સભા:બનાસકાંઠાના ડિસામાં સભા સંબોધતા પીએમ મોદીએ ગુજરાત સરકારની સાથે કેન્દ્રમાં 10 વર્ષથી કાર્ય કરેલી પોતાની સરકારની ઉપલબ્ધીઓ ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું 2024ની ચૂંટણીમાં 22 વર્ષનો અનુભવ લઈને આવ્યો છું. ગરીબ કલ્યાણ, ખેડૂત કલ્યાણ અને તેમના માટે નવી નીતિ અને નવા સંકલ્પ સાથે આવીશું.
કોંગ્રેસ સહિત ઈન્ડિ ગઠબંધન પર પ્રહાર: આ ઉપરાંત પીએમ મોદીએ કોંગ્રેસ સહિત ઈન્ડિ ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતાં. પીએમ મોદીએ આરક્ષણને લઈને પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. પીએમ મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન બંધારણને લઈને જુઠ્ઠાણું લઈને આવ્યા છે. મહોબ્બતની દુકાનમાં ફેક વીડિયો બનાવવા નીકળી પડ્યા છે મોદીએ કહ્યું કે, જે પાર્ટીએ 60 વર્ષ સુધી રાજ કર્યુ તેના નેતાઓ ફેક વીડિયો લઈને નીકળી પડ્યા છે. અહીંથી ન અટકતા પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, કોંગ્રેસના કોંગ્રેસના શહેજાદાએ સમગ્ર મોદી અને ઓબીસીને ચોર કહ્યા છે, તેણે મારા માતા-પિતાનું પણ અપમાન કર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલ પર નિશાન સાધતા કહ્યું કે, પાર્ટી તબાહ કરી દીધી હવે દેશ તબાહ કરવા નીકળ્યા છે. મોદીએ ઉમેર્યુ કે, ધર્મના આધારે અનામતની રમત રમવા નહીં દઉં.
કોંગ્રેસનું ભવિષ્ય ભાખ્યું: આ ચૂંટણીમાં જીતના પ્રબળ વિશ્વાસ સાથે પીએમ મોદીએ કહ્યું દેશમાં એક માત્ર ભાજપ 272 બેઠકો પર લડી રહ્યો છે. જ્યારે વિપક્ષ અને કોંગ્રેસનું ભવિષ્ય ભાખતા કહ્યું કે, આ વખતે કોંગ્રેસ પહેલા કરતા પણ ઓછી બેઠકમાં સમેટાઈ જશે તેનું ઉદાહરણ પહેલા અને બીજા તબક્કામાં થયેલું મતદાન છે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પહેલા તબક્કામાં પરાસ્ત અને બીજા તબક્કામાં ધ્વસ્ત થઈ ગઈ છે. મોદીએ એમ પણ કહ્યું કે, રાજસ્થાનમાં એક સીટ પણ નથી મળવાની એટલું જ નહીં દિલ્હીનો શાહી પરિવાર પણ કોંગ્રેસને વોટ નહીં આપે
કોંગ્રેસના મેનીફેસ્ટોની ટિકા: કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના મેનીફેસ્ટો ખુબ ચિંતાજનક છે. કારણ કે, કોંગ્રેસ તમારા ઘરની સંપત્તિ લૂંટી લેશે અને તમારી મિલ્કતનો સર્વે કરાવીને એક ચોક્કસ સમુદાયને વહેંચી દેશે.