અમદાવાદ:ગરવો ગઢ ગિરનાર જેના સાનિધ્યમાં છે, અને જેને દરિયાની સંગત છે એવા જૂનાગઢ લોકસભા મતક્ષેત્રનો મિજાજ અને મરતબો અલગ જ છે. જૂનાગઢ એ એક સમયનું રજવાડું. જેને અનેક જોગી-યોગી-ભોગીને જોયા છે એવાં જૂનાગઢનું રાજકારણ બળવો, ક્રાંતિ અને સમન્વયનું કેન્દ્ર રહ્યું છે. આઝાદી સમયે જૂનાગઢના નવાબનું વલણ પાકિસ્તાન તરફી રહ્યું અને સરદાર પટેલ અને હારઝુ હુકુમતની લડત થકી આજે જૂનાગઢ ભારતનું અભિન્ન અંગ છે.
સોમનાથ દાદાની ભૂમિ અને આદિકવિ નરસિંહ મહેતાની શબ્દ કર્મ ભૂમિ એવા જૂનાગઢે સાંસ્કૃતિક, સામાજિક, ઐતિહાસિક અને રાજકીય પ્રવાહોમાં પોતાની આગવી અસ્મિતા અને ઓળખ અકબંધ રાખી છે. વિશ્વ પ્રસિદ્ધ કેસર કરી તો ગીરના ડાલામથા સમા સિંહ કેસરી જૂનાગઢ ગીરનાર અને તેની તપોભૂમિ વિસ્તાર સાથે એકાત્મક સર્જે છે. હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાહથી અસર પામી, આ ધર્મોને પણ પોતાની ભૂમિ પર વિકસવાનું વાતાવરણ સર્જ્યુ છે. મુસ્લિમ ધર્મ અને શાસકોનો પ્રભાવ પડ્યો પણ પોતાનું સાંસ્કૃતિક ઐક્ય જાળવી રાખ્યું છે. અશોકના શિલાલેખમાં સમયને મૂર્તિમંત કર્યો છે, એવાં જૂનાગઢની લોકસભા બેઠક પર યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપે બાજી મારી છે. છેલ્લી બે લોકસભા ચૂંટણી ભાજપે જીતી ખરાં અર્થમાં રાજકીય ગઢ સર કર્યો છે.
કોળી અને પાટીદારો ઉમેદવારો કેમ મારે છે બાજી ?
જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં જૂનાગઢ જિલ્લાની ત્રણ તો ગીર-સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ વિધાનસભા બેઠક તો નવ-રચિત ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભા બેઠકનો સમાવેશ જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં થાય છે. જે પૈકીની ગીર-સોમનાથની કોડીનાર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. જૂનાગઢ લોકસભા બેઠક પર કોળી મતદારોનો દબદબો રહ્યો છે, જેના કારણે ભાજપના કોળી ઉમેદવાર રાજેશ ચુડાસમાએ છેલ્લી બંને ચૂંટણીમાં સરેરાશ 1.35 લાખ મતોની સરસાઈથી જીત મેળવી છે. જૂનાગઢ લોકસભા બેઠક પરની માંગરોળ, ઉના, સોમનાથ, તાલાલા અને કોડીનાર વિધાનસભા બેઠકો પર કોળી મતદારો મોટી સંખ્યામાં છે. બેઠકના રાજકીય ઈતિહાસને તપાસીએ તો અહીંથી કારડીયા રાજપુત, આહીર અને પાટીદાર સમાજના ઉમેદવારોને પણ સાંસદ બનવાની તક મળી છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ 7 - 7 ચૂંટણી જીત્યા છે
જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 17 ચૂંટણી યોજાઈ છે. જેમાં કોંગ્રેસ - 7, ભાજપ - 7, સ્વતંત્ર પક્ષ -1, ભારતીય લોકદળ -1 અને જનતા દળ - 1 વાર ચૂંટણી જીત્યા છે. એક રીતે જોઈએ તો ભાજપ-કોંગ્રેસ એક સરખી સંખ્યામાં ચૂંટણી જીત્યા છે. પણ આરંભનો કાળ કોંગ્રેસ અને હાલ ભાજપનો દોર કહી શકાય એમ છે. બેઠક પરની પહેલી બે સળંગ ચૂંટણી કોંગ્રેસના નરેન્દ્ર પ્રાગજીભાઈ નથવાણી જીત્યા છે. તો 1962ની ત્રીજી ચૂંટણી કોંગ્રેસના ચિન્હ પરથી ચિત્તરંજન રુગનાથ રાજા ઉર્ફે બચુભાઈ રાજા વિજયી બન્યા છે. જ્યારે દેશમાં સ્વતંત્ર પક્ષનો દોર હતો હતો ત્યારે સ્વતંત્ર પક્ષના વીરેન જીવણભાઈ શાહ વિજયી બન્યા હતા. પણ ત્યાર બાદની પાંચમી ચૂંટણી એટલે 1971 થી 1977માં કોંગ્રેસના નાનજીભાઈ વેકરીયા વિજેતા થયા હતા. દેશમાં કટોકટી બાદ યોજાયેલ 1977ની ચૂંટણીમાં મૂળે કોંગ્રેસી અને ત્યાર બાદ ભારતીય લોક દળ તરફથી ચૂંટણીમાં ઉતરેલા નરેન્દ્ર પ્રાગજીભાઈ નથવાણી જીત્યા હતા. વિપક્ષોની નબળી સરકારના પતન બાદ કોંગ્રેસનો પુનઃ ઉદય થયો અને એ સમયે ઇન્દિરા ગાંધી દેશના સુપ્રિમ નેતા તરીકે ઉપસ્યા અને 1980 અને 1984 એમ બંને ચૂંટણીમાં જૂનાગઢ બેઠકથી કોંગ્રેસ (આઈ)ના મોહનલાલ લાલજીભાઈ પટેલ જીત્યા હતા. 1989માં બોફોર્સ કાંડમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીનુ નામની ચર્ચાઓ જામી અને વર્ષ 1989માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વી.પી.સીંગના જનતા દળ પક્ષના ઉમેદવાર ગોવિંદભાઈ કાનજીભાઈ શેખડાનો વિજય થયો.
કોંગ્રેસનું બોફોર્સ કૌભાંડ જૂનાગઢ લોકસભા બેઠકને નડ્યું - કોગ્રેસનું ત્યારથી ધોવાણ