બનાસકાંઠા : ભૂમાફિયાઓને જાણે કોઈ ખોફ ન રહ્યો હોય તેવો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભુસ્તર વિભાગની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. થરાદના કરણાસર પાટિયા નજીક તળાવના ખોદકામ દરમિયાન કાર્યવાહી કરવા માટે પહોંચેલી ભૂસ્તર વિભાગની ટીમ ઉપર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
થરાદમાં ભૂસ્તર વિભાગની કાર્યવાહી : ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવાની જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારી ગુરુપ્રીત સારસવા દ્વારા સૂચના આપ્યા બાદ ભૂસ્તર વિભાગ ટીમ થરાદના કરનાસર ગામની સીમ નજીક ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરી રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી. ચાર ડમ્પર અને એક JCB થરાદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતું.
ભૂસ્તર વિભાગની ટીમ પર હુમલો : જોકે, એક JCB કબજામાં લઈને ઉભેલી ભૂસ્તર વિભાગની ટીમ પર 50 થી 60 લોકોએ હુમલો કર્યો હતો. તેમજ સિક્યુરિટી ગાર્ડની પિસ્તોલ લઈને ગાર્ડ તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ત્યાં હાજર ટીમના સુપરવાઇઝર સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.
50-60 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ : ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવા માટે પહોંચેલી ભૂસ્તર વિભાગની ટીમ પર થયેલા હુમલા બાદ થરાદ પોલીસની મદદથી તેમને સુરક્ષિત લાવવામાં આવ્યા હતા. જોકે આ અંગે જિલ્લા ભુસ્તર અધિકારીની સૂચનાથી ફરજમાં રૂકાવટ કરી મારપીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 50 થી 60 લોકોના ટોળા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.