અમદાવાદ:ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાતા દાહોદને ગુજરાતના ઉગતા સૂર્યના પ્રદેશતરીકે ઓળખાય છે. રાજ્યમાં સૌ પ્રથમ સૂર્ય કિરણ દાહોદમાં પડે છે. દાહોદ એ મોગલ બાદશાહ અકબરના જન્મસ્થાન તરીકે પણ ઓળખાય છે. આદિવાસી વિસ્તાર તરીકે જાણીતા દાહોદ જિલ્લો 2 ઓક્ટોબર - 1997ના રોજ અસ્તિત્વમાં આવ્યો. દાહોદનો લોકસભા મતક્ષેત્ર વિસ્તારક ડુંગરાળ અને પથરાળ છે અને ચોમાસું ખેતી પર નભતા આ વિસ્તારમાં મકાઈ, ચણા અને અડદનો પાક ખેતીમાં લેવાય છે. પાનમ, ચિબોટા, કાળી અને ખાન નદી હોવા છતા વિસ્તારના વિકાસમાં અનેક પ્રશ્નો રહ્યાં છે. એવું મનાય છે કે, દાહોદની દૂધીમતી નદી કિનારે દધિચી ઋષિએ તપ કર્યું હતું.
દાહોદ લોકસભાની બેઠકમાં સંપૂર્ણ રીતે દાહોદ જિલ્લો અને મહિસાગરની એક સંતરામપુર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. દાહોદ લોકસભા બેઠક અંતર્ગત જે સાત વિધાનસભા બેઠકો આવે છે. દાહોદ લોકસભા બેઠકમાં સમાવેશ પામેલી ગુજરાત વિધાનસભાની બેઠકોમાં સંતરામપુર (123, ST), ફતેપુરા (129, ST), ઝાલોદ (130, ST), લીમખેડા (131, ST), દાહોદ (132, ST), ગરબાડા (133, ST) અને દેવગઢ બારિયા (134) નો સમાવેશ થાય છે. આ સાત વિધાનસભા બેઠકો પૈકીની સંતરામપુર, ફતેપુરા, ઝાલોસ લીમખેડા, દાહોદ, અને ગરબાડા બેઠકો અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે. જ્યારે દાહોદ લોકસભા મતક્ષેત્રની એક માત્ર દેવગઢબારિયા બેઠક સામાન્ય છે. દાહોદ લોકસભા મતક્ષેત્રના વિસ્તારોમાં સાક્ષરતાદર 49.2%નો છે, જે નીચો સાક્ષરતા દર કહેવાય. બેઠક પર 75% ટકા આદિવાસી મતદારો છે. જ્યારે દાહોદ બેઠક પરના 91% મતદારો ગ્રામીણ વિસ્તારના છે, જેના કારણે ચૂંટણી દરમિયાન ગ્રામીણ પ્રશ્નો ચર્ચામાં રહે છે.
દાહોદ બેઠકનું નામ સતત બદલાતું રહ્યું છે
દાહોદ લોકસભા બેઠક એવી બેઠક છે, જેનું નામ અને વિસ્તાર સતત બદલાતો રહ્યો છે. 1952ની દેશની પ્રથમ ચૂંટણીમાં બેઠકનું નામ દાહોદ-પંચમહાલ કમ બરોડા ઇસ્ટ બેઠકના નામે ઓળખાતી હતી. જે દાહોદ-પંચમહાલ જિલ્લાની સયુંક્ત લોકસભા બેઠક હતી. 1957માં દાહોદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. 1962 અને 1967માં દાહોદ બેઠક અનુસૂચિત જાતિ (SC) ઉમેદવાર માટે અનામત બેઠકમાં રૂપાંતરિત થઈ હતી. ત્યારબાદ 1967માં દાહોદ બેઠક પુનઃ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બની, જે આજ સુધી યથાવત રહી છે.
દાહોદ બેઠક પરથી સળંગ સાત વખત સાંસદ રહેવાનો વિક્રમ સોમજી પુંજાભાઈ ડામોરના નામે
દાહોદ બેઠક પર આરંભમાં કોંગ્રેસ પક્ષનો દબદબો રહ્યો છે. 1957માં નવી રચાયેલી દાહોદ બેઠક પર કોંગ્રેસના જાલજીભાઈ ડિંડોર વિજયી બન્યા હતા. સ્વતંત્ર ગુજરાતની 1962ની પહેલી ચૂંટણીમાં અનુસૂચિત જાતિ ( SC) ઉમેદવાર માટે અનામત બની ત્યારે સ્વતંત્ર પક્ષના હીરાભાઈ બારીયા જીત્યા હતા. પણ બેઠક પર ખરું પ્રભુત્વ તો કોંગ્રેસના સોમજી પુંજાભાઈ ડામોરનું રહ્યું છે. કોંગ્રેસના સોમજી ડામોરે સતત સાત લોકસભા ચૂંટણી જીતી વિક્રમ બનાવ્યો છે. 1977થી 1998 સુધીના 21 વર્ષમાં યોજાયેલ સાત ચૂંટણી સોમજી ડામોરે જીતી હતી. વર્ષ - 2004માં સોમજી ડામોરને કોંગ્રેસે લોકસભા ચૂંટણીની ટિકિટ ન આપતા કોંગ્રેસ છોડી અને ભારતીય નવશક્તિમાં જોડાઈ ચૂંટણી લડી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો. ત્યાર બાદ સોમજી ડામોરે 2005માં NCPમાં જોડાયા પણ રાજકારણમાં નોંધપાત્ર સ્થાન મેળવી શક્યા નહીં. 84 વર્ષીય સોમજી ડામોર હાલ અખિલ ભારતીય આદિવાસી પરિષદના પ્રમુખ છે.
સોમજી ડામોરના રાજકીય અસ્ત બાદ ભાજપનો થયો ઉદય
1999 સુધી દાહોદ લોકસભા બેઠક પર સોમજી પૂંજાભાઈ ડામોરના એકચક્રી પ્રભુત્વને ભાજપના બાબુભાઈ ખીમાભાઈ કટારાએ તોડ્યું. 1992 બાદ દેશમાં બાબરી ધ્વંસના તોફાનોના કારણે અને વધતા જતા હિંદુત્વના રાજકારણની અસર આદિવાસી વિસ્તારોમાં પણ પ્રસરી. ભાજપ-સ્વયંસેવક સંધની આદિવાસી વિસ્તારોમાં એન્ટ્રી અને તેમના સંગઠીત કાર્યોથી કોંગ્રેસ બેખબર રહી જેનાથી ભાજપે કોંગ્રેસની વોટબેંકને હિંદુત્વના મુદ્દે અંકે કરી. 1998 અને 2004ની એમ સતત બે ચૂંટણીમાં ભાજપના બાબુભાઈ કટારેએ જીતી.
2009માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ડૉ. પ્રભાબહેન તાવિયાડે ભાજપથી સતત ત્રીજી ચૂંટણી લડતા સોમજી ડામોરને 58.536 મતે હરાવી સોને ચોંકાવ્યા હતા. મૂળે સાબરકાંઠાના ધંધાસણ ગામના ડૉ. પ્રભાબહેન તાવિયાડ વ્યવસાયે તબીબ હતા. 2014ના મોદી વેવમાં ભાજપના જશવંતસિંહ ભાભોર જે લીમખેડાના ધારાસભ્ય હતા અને રાજ્ય મંત્રીમંડળમાં મંત્રી હતા એમણે કોંગ્રેસના ડૉ. પ્રભાબહેન તાવિયાડને 2,30,353 મતે હરાવ્યા હતા. 2024ના કેન્દ્રીય મંત્રીમંડળમાં જશવંતસિંહ ભાભોર આદિજાતિ વિભાગમાં મંત્રી રહ્યા હતા. વર્ષ 2019માં બાલાકોટ એર-સ્ટ્રાઈક અને રાષ્ટ્રવાદના નારા હેઠળ યોજાયલ લોકસભા ચૂંટણીમાં ભાજપના બીજી વાર ચૂંટણી લડતા જશવંતસિંહ ભાભોરે પૂર્વ ભાજપી સાંસદ અને કોગ્રેસમાં પક્ષાંતર કરીને ગયેલા બાબુભાઈ કટારાને 1,27,596 મતે હરાવી ભાજપનો દબદબો યથાવત રાખ્યો હતો.
2004ની રોમાંચક ચૂંટણી, ફક્ત 361 મતથી ભાજપે બેઠક હાંસલ કરી
દાહોદ બેઠક પર વર્ષ-2004માં યોજાયેલી ચૂંટણી સૌથી રોમાંચક રહી છે. 2004માં એક તરફ ગુજરાતમાં ગોધરાકાંડની અસરો અને કેન્દ્રમાં ઈન્ડિયા શાઇનિંગ કેમ્પેઈન વચ્ચે યોજાઇ હતી. જેમાં ભાજપે ત્રીજી વાર બાબુભાઈ કટારાને ઉતાર્યા હતા, તો કોંગ્રેસે ડૉ. પ્રભાબહેન કિશોરભાઈ તાવિયાડને ઉમેદવાર બનાવ્યા હતા. 2004માં ભાજપ અને કોંગ્રેસ સાથે સોમજી ડામોર ભારતીય નવશક્તિ પાર્ટી અને CPI (M) તરફથી સીગજીભાઈ કટારા ચૂંટણી લડ્યા હતા. 2004માં મોટા પાયે રાજકીય પક્ષોના પ્રચાર વચ્ચે પણ માત્ર 5,17,845 એટલે કે માત્ર 42.71% મતદારોએ મતદાન કરી ચૂંટણી જંગને રોચક બનાવ્યો હતો. ભાજપના બાબુભાઈ કટારાને કુલ 2,28,154 (44.06%) મતો પ્રાપ્ત થયા હતા, તો કોંગ્રેસના ડૉ. પ્રભાબહેન તાવિયાડને 2,27,793 (43.99%) મત પ્રાપ્ત થયા હતા. ભાજપ-કોંગ્રેસ વચ્ચેના આ રોમાંચક મુકાબલામાં ભારતીય નવશક્તિ પાર્ટીના સોમજી ડામોરના 45,597 (8.81%) મત અને CPI (M)ના સીગજીભાઈ કટારાના 16,301 (3.15%) મતે પરિણામ બદલ્યું હતુ. કોંગ્રેસના બાગી અને નારાજ પૂર્વ સાંસદ સોમજીભાઈ ડામોરના મતો થકી ભાજપના બાબુભાઈ કટારા 361 મતે વિજય પ્રાપ્ત કર્યો હતો.