પટના: બિહારમાં એનડીએ સરકારની આગામી 12 ફેબ્રુઆરી 2024ના રોજ ફ્લોર ટેસ્ટ થવા જઈ રહી છે. ફ્લોર ટેસ્ટ પહેલાં જ નીતીશ કુમાર દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરવા જઈ રહ્યાં છે. નીતીશની અચાનક દિલ્હી જવાને લઈને અનેક રાજકીય અટકળો પણ લગાવવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જે નીતીશ કુમાર ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સામેલ થવા માટે દિલ્હી તરફ દોટ મુકતા હતા. ત્યારે હવે બિહારમાં નીતીશે પોતાનું પલડુ બદલી નાખ્યું છે અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવા જઈ રહ્યાં છે. વિશેષજ્ઞો માની રહ્યા છે કે, નીતીશ કુમાર ઈન્ડિયા ગઠબંધનના સાથી રહેવાના કારણે પરેશાન છે તેથી ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પીએમ મોદી પાસેથી આ પરેશાનીઓ સામે લડવાના ઉપાય અને નવી રણનીતિ ઘડવા માટેનું માર્ગદર્શન લેવા જઈ રહ્યાં છે.
12મી ફેબ્રુઆરીએ નીતિશ સરકારનો ફ્લોર ટેસ્ટઃ 28મી જાન્યુઆરીએ નીતિશ કુમારે પલડુ બદલીને ભાજપ સાથે મળીને બિહારમાં એનડીએની સરકાર બનાવી. હવે 12મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે. બીજી તરફ હજુ સુધી વિધાનસભા અધ્યક્ષે પણ રાજીનામું આપ્યું નથી. નીતીશ કુમારે પણ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવો પડશે. આ બધાની વચ્ચે નીતીશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી જઈ રહ્યા છે. આ કાર્યક્રમ અચાનક કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ નીતીશ કુમાર મુલાકાતે કરશે.