આણંદ:ગુજરાતની 26 લોકસભા બેઠક ઉપર આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે. આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી અમિત ચાવડાનું નામ જાહેર થઈ ગયું છે. થોડા દિવસ અગાઉ નવી દિલ્હી ખાતે યોજાયેલી કોંગ્રેસ વકીંગ કમિટિની બેઠકમાં ઘણાં નામો ઉપર મંજૂરીની મહોર વાગી ગયા બાદ આજે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 26 બેઠકો માંથી 24 બેઠકો પર કૉંગ્રેશ ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યું છે તેવામાં આજે જાહેર થયેલી યાદીમાં 11 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
આ નામો પણ હતા હરોળમાં:પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી દ્વારા ચૂંટણી લડવાના કરાયેલા ઈન્કાર બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાનું નામ સામે આવ્યું હતું. હાઈકમાન્ડ દ્વારા તેમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. થોડા સમય અગાઉ બોરસદની સત્યાગ્રહ છાવણી ખાતે અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાભરમાંથી કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તમામે એકી સુરમાં અમિત ચાવડાના નામ પર સર્વસંમતિ સાધી હતી. જો કે અમિત ચાવડા ઉપરાંત બોરસદના પુર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને પુર્વ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહિડાના નામો પણ ચર્ચાયા હતા. પરંતુ આખરે અમિત ચાવડા ઉપર કળશ ઢોળાયો હતો. જે નામ દિલ્હી ખાતે પહોંચ્યું હતું જેના પર આજે મંજૂરીની મહોર સાથે જાહેર કરવામાં આવ્યું છે.
કોણ છે અમિત ચાવડા:પરંપરાગત રીતે કોંગ્રેસની મજબૂત બેઠક ગણાતી આણંદ સીટ પરથી કોંગ્રેસે ફરી એકવાર સોલંકી-ચાવડા પરિવાર પર દાવ અજમાવ્યો છે. મધ્ય ગુજરાતની આણંદ સીટ પર સોલંકી અને ચાવડા પરિવારનો ભૂતકાળમાં દબદબો રહ્યો છે. આણંદ સીટ પરથી અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા વર્ષો સુધી સાંસદ રહ્યા હતા. પરંતુ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બંને પરિવારનો દબદબો ઘટાડ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આણંદ જિલ્લાની મોટાભાગની સીટો પર ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે. આણંદ બેઠક પરથી અંકલાવના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા ચૂંટણી લડશે. 48 વર્ષીય અમિત ચાવડાએ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અમિત ચાવડા પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. તેમણે શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય તરીકેનો પુરસ્કાર જીત્યો છે. અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ગત બે લોકસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ હારી જતા તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ભરતસિંહના ઇનકાર બાદ કોંગ્રેસે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે.