અમદાવાદ: સૌરાષ્ટ્ર માટે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી ક્ષત્રિય સમાજની ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરુષોત્તમ રૂપાલા સામેની નારાજગી અને તેની સામે ક્ષત્રિય સમાજના આંદોલન માટે યાદ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત સ્થાપના દિવસે તેમની બે દિવસીય પ્રચાર ઝુંબેશનો બીજો દિવસ વિશેષ તો સૌરાષ્ટ્ર માટે અલાયદો ફાળવ્યો હતો. દર વખતે રોડ શો થકી વાતાવરણ સર્જનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સૌરાષ્ટ્રની ત્રણ પડકારજનક બેઠકો પર સભા સંબોધી.
જામ સાહેબે પાઘડી પહેરાવી પીએ મોદીનું કર્યુ હતું સ્વાગત (Etv Bharat Gujarat) ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ૬ પૈકી ૪ લોકસભા બેઠકો પર નવા ચહેરા ઉતારી પહેલા પડકાર તો સ્વીકાર્યો હતો. કમનસીબે ભાજપના આખા બોલા નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે અવિવેકી ટિપ્પણી કરી ભાજપ અને પોતાના માટે સમસ્યા સર્જી હતી. છેલ્લાં દોઢ મહિનાથી હજી ક્ષત્રિય સમાજ રૂપાલા વિરૂદ્ધ આંદોલન કરી રહ્યો છે, જે હવે ભાજપ વિરૂદ્ધ માહોલ બન્યો છે. જે સૌરાષ્ટ્ર સહિત રાજ્યની ૧૨ બેઠકો ને પ્રભાવિત કરે છે.
જામનગરમાં બીજી મેએ પીએમ મોદીએ સંબોધી હતી જનસભા (ANI) ગુજરાત સ્થાપના દિવસે આરંભાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રામાં તેઓ એ ક્ષત્રિય સમાજના સ્વમાનને અગ્રીમતા આપી. નરેન્દ્ર મોદીએ પોતાની સૌરાષ્ટ્ર યાત્રામાં ક્યાંય પણ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને સાથે ન રાખ્યા. તમામ સભાઓ માં રૂપાલાની ગેરહાજરી સૂચક હતી. નરેન્દ્ર મોદી એ ભાજપ રાજકોટ ઉમેદવાર રૂપાલાનું નામ સુદ્ધાં બોલવાનું ટાળ્યું હતું. જામનગરની સભા પહેલા જામનગર ખાતે જામ સાહેબને મળ્યા. જામ સાહેબે પોતાને પહેરાવેલી પાઘડીને નરેન્દ્ર મોદીએ પ્રસાદ તરીકે ગણાવી હતી.
બીજી મેએ પીએમ મોદીએ જામનગરમાં સંબોધી હતી જનસભા (ANI) જામનગરની સભામાં નરેન્દ્ર મોદીએ ભૂચર મોરીનો પ્રસંગ યાદ કર્યો હતો. ક્ષત્રિય સમાજ માટે પોતાને કેટલું સન્માન છે એ કહેવા, મોદી એ કહ્યું કે, ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા પદ નું કોઈ મહત્વ નથી. ભાજપે અને નરેન્દ્ર મોદીએ રાજકોટ ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા થી હાલ દૂરી બનાવી ચૂંટણીમાં વિજય બનવા માટે ચુપ્પી સાધી છે.