પોરબંદરઃ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજીનામા પડતા જાય છે. કોંગ્રેસના અનેક ધારાસભ્ય અને અગ્રણીઓ રાજીનામું આપીને ભાજપમાં ભળી રહ્યા છે. આવા સમયમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી પોરબંદરના નાથા ઓડેદરાએ રાજીનામું આપ્યું છે. નાથા ઓડેદરાના રાજીનામાથી ગુજરાત રાજકારણ ગરમાયું છે. નાથા ઓડેદરા ફરીથી કોંગ્રેસ જોઈન કરી શકે તેવી અટકળો વહેતી થઈ છે.
કોંગ્રેસમાં ઘર વાપસીની શક્યતાઃ પોરબંદરમાં કોંગ્રેસમાં જિલ્લાના પ્રમુખ પદે રહી ચૂકેલ નાથા ઓડેદરાએ કોંગ્રેસમાં હતા ત્યારે મોઢવાડિયાનો વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાથી નાથા ઓડેદરા કોંગ્રેસ ફરીથી જોઈન કરી શકે છે.
કોંગ્રેસ હાઈકમાન્ડને મોઢવાડિયાથી ચેતવ્યા હતાઃ નાથા ઓડેદરાએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ અર્જુન મોઢવાડિયા નો વિરોધ કર્યો હતો. અર્જુન મોઢવાડિયા દગાબાજ નેતા છે. કોંગ્રેસને દગો આપી રહ્યા હતા. તેઓ કોંગ્રેસને ડૂબાળશે. નાથા ઓડેદરાએ હાઈ કમાન્ડને ચેતવ્યા પણ હતા. જો કે અર્જુન મોઢવાડીયા ઉપર કોઈ પણ જાતનું એક્શન ન લેવાતા અંતે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું .આ ઉપરાંત ગુંડાગીરી વિરુદ્ધ અભિયાન ચાલવાઈ રહ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી ના અમુક નેતાઓ ગુંડાઓને સાથ આપી રહ્યા છે. તેનો વિરોધ દર્શાવીને પણ નાથા ઓડેદરાએ રાજીનામું આપ્યું છે .