નવી દિલ્હી :27 ફેબ્રુઆરી 2024 ના રોજ 15 રાજ્યોમાં 56 બેઠકો પર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાના દરેક સભ્યની મુદત છ વર્ષ હોય છે. ભારતના બંધારણના અનુચ્છેદ (1) ની કલમ 83 મુજબ રાજ્યોની પરિષદ એટલે કે રાજ્યસભા વિસર્જનને પાત્ર રહેશે નહીં, પરંતુ તેના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થશે. હવે રાજ્યસભાની ચૂંટણી છ વર્ષના સમયગાળામાં ત્રણથી વધુ વખત યોજાઇ રહી છે.
છેલ્લા ઘણા વર્ષોમાં રાષ્ટ્રપતિ શાસન અથવા પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલા રાજ્ય વિધાનસભાઓના વિસર્જન જેવા વિવિધ કારણોસર સમયાંતરે નિયમમાં બદલાવ આવ્યો છે. રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી થવાની હતી ત્યારે કેટલાક રાજ્યની વિધાનસભા વિસર્જનની સ્થિતિમાં હતી. તેથી તે રાજ્યોની રાજ્યસભા બેઠકોની ચૂંટણી પાછળથી યોજાઈ હતી. આ આશ્ચર્યજનક ઘટનાએ ચૂંટણીના દ્વિવાર્ષિક કાર્યક્રમ પાયમાલ કરી નાખ્યો છે.
ભારતના બંધારણની કલમ 80 કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ/રાજ્યસભાની જોગવાઈ કરે છે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત 12 સભ્યો હોય છે તથા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 238 થી વધુ પ્રતિનિધિઓ ન હોય. આ 250 સભ્યોની મંજૂર સંખ્યાની સામે રાજ્યસભામાં હાલમાં 245 સભ્યો છે. બંધારણની ચોથી અનુસૂચિ મુજબ ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 233 સુધી મર્યાદિત છે. વિવિધ રાજ્યોને ફાળવવામાં આવેલ રાજ્યસભાની બેઠકોની સંખ્યા અને તેમની સંબંધિત વસ્તી વચ્ચે સુસંગતા છે.
રાજ્યસભા ચૂંટણી પ્રણાલી :
બંધારણની અનુચ્છેદ (4) ની 80 કલમ મુજબ રાજ્યની કાઉન્સિલમાં દરેક રાજ્યના પ્રતિનિધિઓ રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા એક તબદીલીપાત્ર મત દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિ અનુસાર ચૂંટવામાં આવે છે. સરળ શબ્દોમાં પ્રમાણસર પ્રતિનિધિત્વનો અર્થ એ થાય છે કે, રાજકીય પક્ષ રાજ્યસભામાં તેના સભ્યોની સંખ્યાના પ્રમાણમાં રાજ્યસભામાં એક અથવા વધુ સભ્ય પસંદ કરે છે.
રાજ્ય વિધાનસભાના દરેક સભ્યનો મત સિંગલ પરંતુ તબદીલીપાત્ર છે. આથી બેલેટ પેપરમાં તમામ સ્પર્ધક ઉમેદવારોના નામ સૂચિબદ્ધ હોય છે અને મતદારોએ તેમની સામે તેમની પસંદગીનો ક્રમ દર્શાવવો જરૂરી છે. મતદાર ધારાસભ્યએ ઉમેદવારોમાંથી એક સામે ઓછામાં ઓછો નંબર 1 મૂકવો પડશે. તેમની અન્ય પસંદગી માત્ર ત્યારે જ અમલમાં આવે છે જ્યારે ઉમેદવારોની સંખ્યા તે રાજ્યમાં વર્તમાન ખાલી જગ્યાઓ કરતાં વધુ હોય છે. ઉપરાંત ગણતરીના પ્રથમ રાઉન્ડમાં એક અથવા વધુ ઉમેદવારોને ચૂંટાવા માટે જરૂરી સંખ્યામાં મત ન મળે તો.
- ઉમેદવારને ચૂંટાવા માટે જરૂરી લઘુતમ મતની સંખ્યા નક્કી કરવા માટેની ફોર્મ્યુલા નીચે મુજબ છે :
ધારાસભ્યની કુલ સંખ્યા +1
ખાલી જગ્યાઓની સંખ્યા+1
ઉદાહરણ તરીકે આપણે આગામી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સ્થિતિ જોઈએ. પ્રથમ હકીકત મુજબ રાજ્ય વિધાનસભાની બેઠક 403 છે. રાજ્યસભા બેઠકોની સંખ્યા કે જેના માટે ચૂંટણી સુનિશ્ચિત થયેલ છે તે 10 છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે વિધાનસભામાં 252 સભ્યોનું સંખ્યાબળ છે. ઉપર આપેલ ફોર્મ્યુલા મુજબ રાજ્યસભામાં ચૂંટાવા માટે ઉમેદવારને જરૂરી ન્યુનતમ મતની સંખ્યા નીચે મુજબ હશે :
403 +1 = 37.6 (લગભગ 38) 10+1
આમ ભાજપ દ્વારા નામાંકિત દરેક ઉમેદવારને 38 મત મેળવવાની જરૂર પડશે. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 252 હોવાથી તે પોતાના દમ પર માત્ર 6 ઉમેદવારો જ ચૂંટી શકે છે. તેથી ઓછામાં ઓછા 228 (38 x 6) ધારાસભ્યોને તેમના પક્ષ દ્વારા નામાંકિત ઉમેદવારોમાંથી એક અથવા બીજાને બેલેટ પેપરમાં તેમની પ્રથમ પસંદગી ચિહ્નિત કરવા માટે વ્હિપ જાહેર કરવાની જરૂર પડશે. બાકીના 24 ધારાસભ્યોના મતો સાથે પાર્ટી 38 ના આંકડા સુધી પહોંચવા માટે તેના સાથી પક્ષોના સમર્થન સાથે વધુ એક બેઠક મેળવી શકે છે. ભાજપ તેના બાકીના મત તેના સાથી પક્ષના ઉમેદવારને આપી શકે છે.