દમાસ્કસઃસીરિયામાં સત્તાપલટો થયો છે અને બશર અલ અસદના શાસનનો અંત આવ્યો છે. સીરિયન બળવાખોરોએ દેશના મોટાભાગના શહેરો પર કબજો મેળવ્યા બાદ રાજધાની દમાસ્કસમાં ઘૂસી ગયા છે. દરમિયાન, રાષ્ટ્રપતિ બશર અલ-અસદ રવિવારે 'અજાણ્યા સ્થળ' માટે રવાના થઈ ગયા છે, આ ઘટનાની પુષ્ટિ સૈન્ય અધિકારીઓએ રોઇટર્સ સાથે કરી હતી. આ પહેલા શનિવારે સીરિયન વિદ્રોહીઓએ ચાર શહેરો દારા, કુનેત્રા, સુવેદા અને હોમ્સ પર કબજો કરી લીધો હતો.
બળવાખોર જૂથના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ હસન અબ્દુલ ગનીએ રવિવારે સવારે રાજધાની દમાસ્કસ પર કબજો કરવાની પુષ્ટિ કરતા કહ્યું કે, "અમારી નજર હવે રાજધાની દમાસ્કસ પર છે." બીજી તરફ રાજધાનીમાં સૈન્ય તૈનાતીના કોઈ સંકેતો નહોતા, કારણ કે વિદ્રોહીઓએ શહેરને ઘેરી લીધું હતું, જેના કારણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને વિમાનમાં બેસીને શહેર છોડવું પડ્યું હતું.
કોણ છે સીરિયન બળવાખોરો?
સીરિયાના સૌથી શક્તિશાળી બળવાખોર જૂથ હયાત તહરિર અલ-શામ (HTS)એ 27 નવેમ્બરે રાષ્ટ્રપતિ અસદના શાસન સામે ઉગ્ર બળવો શરૂ કર્યો હતો. HTS તુર્કી સમર્થિત સીરિયન મિલિશિયા હેઠળનું એક જૂથ સાથે મળીને કામ કરી રહ્યું છે, જેને સીરિયન નેશનલ આર્મી તરીકે ઓળખવામાં આવે છે, બળવાખોર જૂથે 24-વર્ષથી ચાલી રહેલા અસદ શાસનને સખત પડકાર આપ્યો અને આ સરકાર વિરોધી દળો અસદ પ્રશાસનથી દેશને 'આઝાદ' કરવાનું લક્ષ્ય બનાવી રહ્યું છે.
HTS અલ-કાયદાનું વિભાજિત જૂથ છે અને યુનાઇટેડ સ્ટેટ્સ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. જો કે, તાજેતરના વર્ષોમાં જૂથે કહ્યું છે કે તેણે તેના મૂળ જૂથ, અલ-કાયદા સાથેના સંબંધો તોડી નાખ્યા છે.
શેના માટે લડી રહ્યા છે વિદ્રોહીઓ?
HTS નેતા અબુ મોહમ્મદ અલ-ગોલાનીએ આ સપ્તાહની શરૂઆતમાં સીએનએનને જણાવ્યું હતું કે, તેમના જૂથના હુમલાનો ધ્યેય અસદ શાસનને "ઉથલાવી" નાખવાનો હતો. અલ-ગોલાની આજે સૌથી વધુ ઓળખાતો બળવાખોરોમાંનો એક છે. તેણે 2016માં અલ-કાયદા સાથેના સંબંધો તોડી નાખ્યા અને પોતાના જૂથનું નામ બદલી નાખ્યું.
રોઇટર્સે સીરિયાના નિષ્ણાત અને ઓક્લાહોમા યુનિવર્સિટીમાં મધ્ય પૂર્વ અભ્યાસના કેન્દ્રના વડા જોશુઆ લેન્ડિસને ટાંકીને કહ્યું કે "ગોલાની અસદ કરતાં વધુ હોંશિયાર છે," તેણે પોતાનામાં પરિવર્તન અને સુધારો કર્યો છે અને નવા સ્વરૂપે તૈયાર છે. નવા સહયોગી બનાવ્યા છે અને અલ્પસંખ્યકો પ્રત્યે પોતાના આકર્ષણ સાથે આગળ આવ્યા છે.