તેહરાન:ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને તેમના વિદેશ મંત્રીના હેલિકોપ્ટર ક્રેશ થતાં સ્થળ પર મોત થયાના અહેવાલ છે. ગાઢ ધુમ્મસમાં પર્વતીય વિસ્તારને પાર કરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ઈરાનના એક અધિકારીને ટાંકીને આ અહેવાલ આપવામાં આવ્યો છે. આ પહેલા ઈરાન ટીવી દ્વારા આ અંગેના સમાચાર આપવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે અકસ્માત સ્થળ પર કોઈ જીવિત મળ્યું નથી.
ઈરાન ટીવીના એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બચાવકર્મીઓએ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ કરી છે. રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ રાષ્ટ્રપતિ રાયસીની શોધમાં કોઈ જીવિત વ્યક્તિનો પત્તો મળ્યો નથી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટનાના સમાચાર બાદ રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી હતી. ઈરાની સત્તાવાળાઓએ ક્રેશ સ્થળ પર સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું છે. દરમિયાન ઈરાન રેડ ક્રિસન્ટે પોતાની સેનાને અકસ્માત સ્થળ પર મોકલવાનો દાવો કર્યો છે. જ્યારે, બચાવ ટીમને બળતણની ગંધની જાણ થઈ. ઈરાન સ્થિત પ્રેસ ટીવીએ આ અંગે માહિતી આપી હતી.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી)ના મુખ્ય કમાન્ડર મેજર જનરલ હોસૈન સલામી પણ પૂર્વ અઝરબૈજાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં તે સ્થળે પહોંચ્યા હતા જ્યાં ઈરાનના રાષ્ટ્રપતિને લઈ જતા હેલિકોપ્ટરનું 'હાર્ડ લેન્ડિંગ' થયું હોવાનું જાણવા મળ્યું હતું. ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહિયન અને અન્ય ઘણા લોકો પણ સવાર હતા.